જમ્મુ કશ્મીરમાં હજુ સંખ્યાબંધ નેતાઓ નજરકેદમાં

August 03, 2020

શ્રીનગર :2019ના ઑગષ્ટની પાંચમીએ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયાને લગભગ એક વર્ષ થવા આવ્યું. હજુ પણ 144થી વધુ કશ્મીરી નેતાઓ નજરકેદમાં હતા એવું સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. જો કે આ પહેલાં ત્રણસોથી વધુ નેતાઓને શરતી મુક્તિ આપવામાં આવી હતી. જમ્મુ કશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અગાઉ જમ્મુ કશ્મીરના હતા એવા 164 કાયદા રદ થયા હતા. એની સામે કેન્દ્ર સરકારે લાદેલા 170 નવા કાયદાનો અમલ શરૂ થયો હતો.

એકાવન નેતાઓને જમ્મુ કશ્મીર હાઇકોર્ટના આદેશના પગલે મુક્ત કરવામાં આવ્યા હતા. બીજા કેટલાકને વહીવટી તંત્રે કરેલી સમીક્ષા પછી મુક્ત કરાયા હતા. મુક્ત કરાયેલા દરેક નેતાને સ્પષ્ટ શબ્દોમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે  રાજકીય નિવેદનો કરવા નહીં.

દરમિયાન ગયા શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની અટકાયતને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી જ્યારે અગાઉની મિશ્ર સરકારના એક પ્રધાન સજ્જાદ ગની લોનને મુક્ત કરાયા હતા. મહેબૂબા જે સરકારી બંગલામાં રહે છે એને જ જેલમાં પરિવર્તિત કરીને મહેબૂબાને ત્યાં રાખવામાં આવ્યાં હતાં. તેમની અટકાયતની મુદત પાંચમી ઑગષ્ટે પૂરી થતી હતી. એને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી.

જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો નાબૂ કર્યા બાદ રાજ્યના કુલ 354 કાયદામાંથી 164 કાયદાને પૂરેપૂરા રદ કરવામાં આવ્યા હતા. 138 કાયદામાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોય એવા 170 કાયદા અમલમાં લાવવામાં આવ્યા હતા. દરમિયાન, લઘુમતી વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશીપમાં 262 ટકાનો  વધારો કરવામાં આવ્યો હતો.

અત્યાર અગાઉ નેશનલ કોન્કોંફરન્સના નેતા  અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમક અબદુલ્લાએ એવો દાવો કર્યો હતો કે મને મુક્ત કરવા અગાઉ એક બોન્ડ  પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ મેં સહી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે એ બોન્ડ શેના હતા એની સ્પષ્ટતા તેમણે કરી નહોતી.