મુંબઈમાં પક્ષીઓના ઝુંડ સાથે અથડાયું વિમાન, 36 રાજહંસોના મોત, મુસાફરો સુરક્ષિત

May 21, 2024

મુંબઈ : મુંબઈની એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં એક વિમાન ફ્લેમિંગોના ઝુંડ સાથે અથડાયુ હતું. જેના કારણે એક-બે નહીં પરંતુ 36 ફ્લેમિંગોના મોત થયા છે. મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં અમીરાતનું એક વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાતાં વિમાનને પણ નુકસાન થયું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જ્યા એક બાજુ 36 પક્ષીઓના મોત થયા છે, તો બીજી બાજુ વિમાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી વિમાનને તાત્કાલિક લેન્ડ કરવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે વિમાનના તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સુરક્ષિત છે. મુંબઈ એરપોર્ટના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે રાત્રે 9.18 કલાકે અમીરાતની ફ્લાઈટ EK 508 પક્ષીઓના ઝુંડ સાથે ટકરાઈ હતી.

તે પછી વિમાનને  સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. સોમવારની મોડી રાત સુધી શોધખોળ કરતાં 29 જેટલા ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા હતા, તે પછી  મંગળવારે સવારે વધુ ચારથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. છેલ્લા રિપોર્ટ સુધી એરલાઈન્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મુંબઈ અને નવી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો ફ્લેમિંગોના નિવાસસ્થાન માટે જાણીતા છે.  સ્થળાંતર કરનારા આ પક્ષીઓ ડિસેમ્બરની આસપાસ આ કિનારા પર આવી પહોંચે છે અને તે પછી માર્ચ અને એપ્રિલ સુધી અહીં  જોવા મળે છે. અત્યારના સમયમાં ફ્લેમિંગોનું નિવાસસ્થાન જોખમમાં આવી ગયું છે. અગાઉ પણ આ વાત ચર્ચામાં આવી હતી કે, નવી મુંબઈમાં સાઈન બોર્ડ સાથે અથડાઈને કેટલાક પક્ષીઓના મોત થયા હતા.