મોરબીના માળિયા તાલુકામાં એક ખાનગી ડોકટરે દર્દીઓને ઓટલા પર જ સુવડાવી સારવાર કરી

April 07, 2021

સુરેન્દ્રનગર : મોરબી જિલ્લાના માળિયા તાલકામાં એક ખાનગી ક્લિનિકની બહાર ઓટલા પર જ દસેક જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં છેલ્લા આઠ દિવસ દરમિયાન આ બીજી ઘટના છે કે, જેમાં દર્દીઓની હોસ્પિટલના બિછાનાના બદલે કારખાનામાં કે ઓટલા પર સારવાર થઈ રહી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે અને હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં દર્દીઓની સ્થિતિ દયાજનક હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં દર્દીઓને એક ખાનગી દવાખાના બહાર ઓટલા પર બાટલા ચઢાવી સારવાર લેવાની નોબત આવી હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતોનુસાર મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં દર્દીઓને ખાનગી દવાખાના બહાર દયનીય સ્થિતિમાં રાખી સારવાર આપવામાં આવી રહી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વાયરલ વિડીયોમાં માળીયાના ખાખરેચી ગામના એક ખાનગી ક્લિનિકની બહારના આ દ્રશ્યો છે. જેમાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના દર્દીઓને સારવાર માટે રસ્તા પર પાથરણું પાથરીને બોટલ ચઢાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ મોરબીના એક સિરામિક કારખાનામાં ખુલ્લામાં સાત જેટલા મજૂરોને બાટલા ચઢાવાતા હોવાના વિડીયોએ સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચાવી હતી. એવામાં મોરબી જીલ્લાના માળીયાના ખાખરેચી ગામે એક ખાનગી દવાખાના બહાર ઓટલા પર દર્દીઓને બાટલા ચઢાવાતા હોવાના વાયરલ વિડીયોએ ફરી સમગ્ર મોરબી પથંકમાં ચકચાર મચાવી છે. એવામાં જો કોઇ કોરોનાનો દર્દી હોય તો આ ગામમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થવાની આશંકા પણ મોરબી પથંકના લોકો સેવી રહ્યાં છે.