માસ્કની સર્વોત્તમ ડિઝાઈન તૈયાર કરનારને અમેરિકામાં પાંચ લાખ ડૉલરનું ઈનામ

April 07, 2021

વૉશિંગ્ટન : અમેરિકી સરકારે માસ્કની ડિઝાઈન સુધરે એ માટે ઝૂંબેશ શરૂ કરી છે. અમેરિકી હેલ્થ વિભાગની વેબસાઈટ પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ માસ્કની ઉત્તમોત્તમ ડિઝાઈન તૈયાર કરનાર અમેરિકનને પાંચ લાખ ડૉલર (અંદાજે 3.65 કરોડ રૂપિયા) સુધીનું ઈનામ મળશે. અત્યારે માસ્ક પહેરવામાં લોકો અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, પરંતુ જરૂરી હોવાથી પહેરવું પડે છે. ભવિષ્યમાં માસ્ક લાંબો સમય પહેરવાનું થાય તો એ સરળ હોવું જોઈએ. ચહેરા પર ખંજવાળ, ઉશ્વાસ ચશ્માં પર જામ થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે અનેક પ્રકારની અડચણો માસ્ક સાથે સંકળાયેલી છે. આ બધી અચડણોમાંથી મુશ્કેલી અપાવે એવી ડિઝાઈની અમેરિકી સરકારને તલાશ છે. આ માટે 21મી એપ્રિલ સુધીમાં માસ્ક ડિઝાઈન કરી મોકલવાની રહેશે. પાંચ લાખ ડૉલરની રકમ કોઈ એક વ્યક્તિને નહીં મળે પણ એ વિવિધ વિજેતાઓ વચ્ચે વહેંચી દેવાશે. માસ્ક ઈનોવેશન ચેલેન્જ નામની આ સ્પર્ધા અત્યારે અમેરિકી સરકારની ધ બાયોમેડિકલ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કરાઈ રહી છે. માસ્ક પહેર્યા પછી બોલતી વખતે તકલીફ ન પડવી જોઈએ અને સાંભળનારને પણ સરળતા રહેવી જોઈએ. એવી તો ઘણી સરતો સ્પર્ધામાં રાખવામાં આવી છે. શરૂઆતમાં 40 બેસ્ટ આઈડિયા પસંદ કરવામાં આવશે અને એમાંથી પછી પ્રેક્ટિકલી શક્ય હોય એવા આઈડિયા પર સરકાર કામગીરી આગળ ધપાવશે.