વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

July 07, 2020

વોશિન્ગટન : વોશિન્ગટન. વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 52 હજાર 385 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 65 લાખ 89 હજાર 218 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 5 લાખ 38 હજાર 513 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી ક્લબ, જીમ અને બાર બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારના નવા આદેશ પ્રમાણે ધાર્મિક સ્થળ પર ફક્ત 19 લોકો જ ભેગા થઈ શકશે. આ ઉપરાંત બંધ રેસ્ટોરન્ટમાં 20 અને ખુલ્લા રેસ્ટોરન્ટમાં 30 લોકોથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. બીજી બાજુ કોરોના મહામારીની અસર બ્રિટનની અનેક યુનિવર્સિટી પર જોવા મળે છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ (IFS)ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર તરફથી રાહત પેકેજ નહીં મળે તો 13 યુનિવર્સિટી બંધ થઈ જશે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે યુરોપિય દેશો સાથે મોતના આંકડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો છે. સૌથી વધુ મોતની સંખ્યામાં મેક્સિકો પાંચમા સ્થાને છે. બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા કોરોના સંક્રમિત છે. છેલ્લા ચાર દિવસમાં તેઓ ત્રીજા કેબિનેટ મંત્રી છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાની એકમાત્ર હિન્દુ પોલિટિકલ પાર્ટીના ફાઉન્ડર અને લીડર જયરાજ બાચૂનું કોરોના સંક્રમણના લીધે નિધન થયું હતું. 75 વર્ષના બાચૂ ડરબનમાં રહેતા હતા. તેમણે હિન્દુ પોલિટિકલ પાર્ટી અને હિન્દુ યુનિટિ મુવમેન્ટની સ્થાપના કરી હતી. બાચૂ પાંચ દાયકાથી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય હતા.

સઉદી સરકારે હજ યાત્રા અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં કહ્યું છે કે યાત્રા દરમિયાન પ્રવાસીઓને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. એક જ સ્થળે ભેગા થવા પર અથવા બેઠક કરવા પર પ્રતિબંધ છે. આ વર્ષે પવિત્ર કાબાને કોઇ અડકી નહીં શકે. જૂનમાં સઉદી સરકારે કહ્યું હતું કે આ વર્ષે વિદેશી પ્રવાસીઓને હજની મંજૂરી નહીં મળે. માત્ર સ્થાનિક નાગરિકો જ યાત્રા કરી શકશે.