ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લેન્ડની કસોટી

March 02, 2021

ચોથી માર્ચે અમદાવાદમાં શરૂ થતી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચની સંભાવના છે અને તેના પર ઇંગ્લેન્ડની ફરી એકવાર કસોટી થશે. ત્રીજી ટેસ્ટના પરિણામ દ્વારા સ્પિનિંગ ટ્રેક ઇંગ્લેન્ડની કમજોરી સાબિત થયો છે અને ભારતીય સ્પિનર્સ પણ જોરદાર ફોર્મમાં છે તેથી ભારતીય ટીમ આ ચોથી ટેસ્ટ માટેની પિચ સ્પિનર્સને મદદ કરે તેવી બનાવવામાં આવે તેવો આગ્રહ રાખશે. અત્રે એ બાબત પણ નોંધનીય છે કે, ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીતી લીધી તે પછી ટીમ ઇન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જવાની સંભાવનાઓ મજબૂત થઇ ગઈ હતી. જો કે ભારતે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે કોઈ પણ સંજોગોમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિજય મેળવવો પડે તેમ છે. આ સંજોગોમાં જો પિચ ભારતીય ટીમને મદદ કરી શકે તેવી બનાવવામાં આવે તો ભારતનું પલ્લંુ ભારે થઇ શકે છે. ચાર ટેસ્ટની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે તેથી જો ચોથી ટેસ્ટ ડ્રો જાય તો પણ ભારત ૨-૧થી સિરીઝ જીતી શકે.

ચોથી ટેસ્ટ પણ લાલ માટીની પિચ પર રમાવાની શક્યતા
જાણકાર અનુસાર ચોથી ટેસ્ટ પિચ નંબર ચાર પર રમાડવામાં આવશે કે જે લાલ માટીની બનેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ૧૧ પિચ છે જેમાંથી પાંચ લાલ માટીની બનેલી છે અને છ પિચ માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ પિચ નંબર પાંચ પર રમાડવામાં આવી હતી, જે લાલ માટીની છે. છથી ૧૧ નંબરની પિચ કાળી માટીની છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પહેલાં અનુમાન કરવામાં આવ્યું હતું કે ચોથી મેચ છ નંબરની પિચ પર રમાડવામાં આવશે. હાલમાં પિચને ઘેરી લેવામાં આવી છે. તેના પર ઘાસ છે જો કે તે રહેશે નહીં. એવી પણ શક્યતા છે કે થોડું ઘાસ રહેવા દેવામાં આવે જેથી પિચ જલદી તૂટે નહીં.

મેચ રેફરી શ્રીનાથે પિચની મુલાકાત લીધી 
મેચ રેફરી જવાગલ શ્રીનાથે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તમામની નજર તેમના પર છે કે તેઓ ત્રીજી ટેસ્ટની પિચનો કેવો રિપોર્ટ આપે છે. નિયમ અનુસાર રિપોર્ટ તૈયાર કરવા શ્રીનાથે ચોથી ટેસ્ટ પૂરી થાય તેની રાહ જોવી પડશે અને બન્ને મેચના આધાર પર જ તે પોતાનો રિપોર્ટ તૈયાર કરશે.