શૈક્ષણિક સત્ર 1 એપ્રિલ પહેલાં શરૂ કરનારી સ્કૂલો સામે કાર્યવાહી થશે

March 19, 2023

સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન ઘણી સ્કૂલો દ્વારા નવુ શૈક્ષણિક સત્ર વહેલા શરૂ કરી દેવામાં આવતું હોવાની બોર્ડ સુધી વિગતો પહોચી છે. જેના પગલે સીબીએસઈ બોર્ડ દ્વારા સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે, 1લી એપ્રિલ પહેલા શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં ન આવે. જો કોઈ સ્કૂલો વહેલા સત્ર શરૂ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્કૂલો દ્વારા નક્કી કરેલા કાર્યક્રમનું ઉલ્લંઘન કરીને વહેલી સ્કૂલો શરૂ કરી દેવામાં આવી હોવાની બાબત CBSE બોર્ડના ધ્યાને આવતા સ્કૂલોને કડક આદેશ મોકલ્યો છે. જેમાં બોર્ડ દ્વારા 1 એપ્રિલ પહેલા સ્કૂલો શરૂ કરી હશે તેમની સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના એકેડેમિક સેશનનું ચુસ્તપણે પાલન કરવા માટે નિર્દેશ આપ્યા છે. આમ, જે સ્કૂલોએ નિયમનો ભંગ કરી વહેલી સ્કૂલો શરૂ કરી હશે તેમની સામે પગલા લેવાશે.