ઉત્તર પ્રદેશમાં ગાયને બચાવવા જતા થયો અકસ્માત, 4 બાળકો સહિત 11ના મોત

October 15, 2021

દશેરાના પાવન પર્વ પર અકસ્માત થતા શોકનો માહોલ,  6 લોકોની હાલત ગંભીર, સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો


ઝાંસી- ઉત્તર પ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમા 11 લોકોના મોત થયા છે. યૂપીના ઝાંસીમાં થયેલા આ અકસ્માતમાં 7 મહિલાઓ અને 4 બાળકો સહિત 11 લોકો મોતને ભેટ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે એક ટ્રકટરે સંતુલન ગુમાવતા તેની ટ્રોલી પલટી ગઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વિગતો અનુસાર એ ટ્રેક્ટર ભાંડેરથી ઝાંસીના ચિરગાંવ તરફ જઈ રહ્યું હતું. ત્યારે જ ચિરગાંવની પાસે ગાયને બચાવવા જતા ટ્રોલી અનિયંત્રિત થઈ ગઈ અને અકસ્માતનો ભોગ બની. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત થયો ત્યારે ટ્રોલીમાં 30-32 લોકો સવાર હતા. જેમાથી 11 લોકોના મોત થયા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ લોકોને ઝાંસીની મેડિકલ કોલેજ ખાતે ભરતી કરવામાં આવ્યા છે. જો કે અકસ્માતના પગલે થોડીવાર માટે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો બાદમાં પોલીસે અવર જવરને સામાન્ય કરાવી હતી.