ફેસબુકના માલિક વિરુદ્ધ આક્રોશ:હવાઇ ટાપુ પર 2 હજાર એકર જમીન લેવા બદલ 15 લાખ લોકો સંસ્કૃતિ બચાવવા માર્ક ઝુકરબર્ગ સામે મેદાને

May 02, 2021

વોશિંગ્ટન :  વિશ્વના પાંચમા સૌથી ધનિક અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને એક જમીનનો સોદો ભારે પડ્યો છે. ઝુકરબર્ગે હવાઇ આઇલેન્ડ સ્ટેટમાં 600 એકર જમીન ખરીદી છે, જેની કિંમત અંદાજે 392 કરોડ રૂ. છે. પ્રાકૃતિક સૌંદર્ય માટે મશહૂર હવાઇમાં ઝુકરબર્ગ કુઆઇ તથા પિલા ટાપુ પર અંદાજે 2 હજાર એકર જમીન ખરીદી ચૂક્યા છે. તેમણે આટલા મોટા પાયે જમીન ખરીદયા બાદ 15 લાખથી વધુ લોકો તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે.


જમીનની ખરીદીના વિરોધમાં ઓનલાઇન પિટિશન સાઇન કરવાનું શરૂ થયું છે. લોકોને લાગે છે કે જમીનના મોટા ભાગના હિસ્સા પર બહારની કોઇ વ્યક્તિનો કબજો હશે તો ફરી રાજાશાહી આવી શકે છે અને તેની તેમના જીવન પર અસર થાય તેમ છે. હવાઇમાં ઇ.સ. 1895 સુધી રાજાશાહી હતી. પછી તેનો અમેરિકામાં વિલય થયો.


ઝુકરબર્ગના વિરોધનું બીજું કારણ આ જમીનના માલિકો છે. જમીનના પહેલાં માલિક મિશનરી કપલ અબનેર અને લ્યૂસિ વિલ્કૉક્સ 1837માં હવાઇ આવ્યા હતા. 1975માં વાયલી કોર્પોરેશને તેમની પાસેથી માલિકીહક લઇ લીધો અને હવે ઝુકરબર્ગને વેચી દીધો. લોકોનું એમ પણ માનવું છે કે બહારના લોકો આવીને હવાઇના ટાપુઓ ખરીદે છે અને પછી બહારના લોકોને જ વેચી દે છે, જેના કારણે ત્યાં બહારના લોકોની કોમ્યુનિટી તૈયાર થઇ રહી છે, જે હવાઇની સંસ્કૃતિ માટે જોખમી છે.