રાહુલ ગાંધીના કેન્દ્ર પર આરોપ:કહ્યું- ભારતની સ્થિતિ સારી નથી, BJPએ ચારેબાજુ કેરોસિન છાંટ્યું છે; એક તણખલું આખા દેશને આગ લગાડી શકે છે

May 21, 2022

લંડન : લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સેમિનારમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ દેશમાં ધ્રુવીકરણનું કેરોસિન છાંટી રહી છે. બસ, ક્યાંક એક તણખલું થશે તો આખો દેશ એની જાતે જ સળગવા લાગશે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સહિત સંપૂર્ણ વિપક્ષ આ પરિસ્થિતિમાં સુધારો કરવા માગે છે. રાહુલે આ બેઠકમાં કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ હોવાની વાત સ્વીકારી છે. તેમણે આ દરમિયાન ચીન મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે લોકતંત્રની સ્થિતિ સારી નથી. ભાજપના લોકોએ બંધારણીય પદ પર કબજો કરી લીધો છે. દરેક સરકારી સંસ્થાઓમાં ગેરકાયદે રીતે એન્ટ્રી આપવામાં આવી રહી છે. અમે આ લોકો સામે લડી રહ્યા છીએ.

કોંગ્રેસની હાર અને ભાજપની જીત વિશેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ગ્રાઉન્ડ રૂટ લેવલ પર નથી જતા. અમારે આક્રમક રીતે તે 60-70% લોકોની પાસે જવાની જરૂર છે, જેઓ ભાજપને વોટ નથી આપતા. અમારે આ લોકોને એક જૂથ કરવાની જરૂર છે.

રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં ઘણો આંતરિક વિવાદ છે. લોકો તેમને કહી રહ્યા છે કે ભાજપ જેવા કેડર તમારી પાસે કેમ નથી? તો મારો જવાબ છે કે જો અમારા કેડર પણ ભાજપ જેવા હશે તો અમે પણ લોકોને સાંભળવાનું બંધ કરી દઈશું. કોંગ્રેસના DNAમાં એવું નથી.