છાપાના ફેરિયાને પ્રવેશ ન આપતી થાણેની સોસાયટીઓ સામે પગલાં લેવાશે

June 28, 2020

મુંબઇ : થાણેની જે હાઉસિંગ સોસાયટીઓ છાપાના ફેરિયાઓને દરેક ઘરમાં પહોંચતા કરવાની પરવાનગી નથી આપતી તેની સામે પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી થાણે જિલ્લા પ્રશાસને આપી છે. સોસાયટીવાળા ફેરિયાઓને બિલ્ડિંગની અંદર પ્રવેશ નથી આપતાં અને દરેક ફલેટમાં પહોંચાડવા નથી દેતા  એવી માગરિકોની અનેક ફરિયાદો મળ્યા પછી આ અઠવાડિયાની શરૃઆતમાં ડેપ્યુટી ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રાર શાહજી પાટીલ એક સરકયુલર બહાર પાડીને હાઉસિંગ સોસાયટીના સત્તાવાળાઓને ચેતવણી આપી હતી.

આ સરકયુલરમાં રાજ્ય સરકારે સાતમી જૂનથી લોકડાઉનમાં છૂટછાટ આપી મિશન બીગીન અગેઇન શરૃ કરવામાં આવ્યું છે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં સ્પષ્ટ લખેલું છે કે અખબારના પ્રિન્ટિંગની, વિતરણની અને ઘરે ઘરે પહોંચાડવાની પરવાનગી છે. શરત એટલી કે જે ઘરે છાપા નાખવા જાય તેણે માસ્ક પહેરવો જોઇએ, હાથમં સેનિટાઇઝર લગાડવું જોઇએ અને ચોક્કસ અંતર જાળવવું  જોઇએ.

પાટીલે જણાવ્યું હતું કે જે સોસાયટીઓ આ આદેશનું પાલન નહીં કરે તેની સામે ૧૯૬૦ના મહારાષ્ટ્ર કોઓપરેટીવ સોસાઇટીઝ એકટની કલમ ૭૯ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ હેઠળ રજિસ્ટ્રારને નિયમનું પાલન ન કરે તેની સામે પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.