કિડની ફેલ્યોરના કારણે અભિનેતા આશિષ રોયનું નિધન

November 25, 2020

મુંબઈઃ ટીવી શોઝ ‘સસુરાલ સિમર કા’ અને ‘જીની ર જુજુ’ના અભિનેતા આશિષ રોયનું કિડની ફેલ થવાના કારણે સોમવારે રાત્રે ૫૫ વર્ષની ઉંમરે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા. આશિષને મે મહિનામાં મુંબઈની એક હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કોરોનાની મહામારીના લીધે મે મહિનાથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો. આ વર્ષે મે મહિનામાં આશિષે એક ઇમોશનલ અપીલ કરતાં કહ્યું હતું કે, ‘મારી પાસે હવે એક પણ રૂપિયો નથી. મારી પાસે બે લાખ રૂપિયા હતા કે જે મેં હોસ્પિટલને આપી દીધા હતા. લોકો મને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ મને કોલ કરી રહ્યા છે. જુઓ હવે શું થાય છે. મહામારીનાં કારણે મને સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે કે જે ખર્ચાળ છે. દવાઓ અને ઇન્જેક્શન્સનો ખર્ચ પણ ખૂબ વધારે છે.’