કેનેડામાં રહેતા ભારતીયોને સતર્ક રહેવાની સલાહ:વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી

September 23, 2022

કેનેડામાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને જાહેર કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે કેનેડામાં ઘ્રુણા, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે, તેથી ત્યાંના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર કેનેડામાં ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે નફરતના ગુનાઓ, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. કેનેડામાં વિદેશ મંત્રાલય અને કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાઓને ત્યાંના વહીવટીતંત્ર સાથે ઉઠાવી છે અને તેમને આવા ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા કેનેડાના વહીવટીતંત્ર સાથે આ મામલો ઉઠાવ્યો છે અને કેનેડા સાથે આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે કહેવાતા ખાલિસ્તાની લોકમતને નકલી કવાયત ગણાવી હતી. બાગચીએ જણાવ્યું હતું કે કેનેડાએ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરી છે, પરંતુ તે ખૂબ જ વાંધાજનક છે કે મિત્ર દેશમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદી તત્વોને આવી રાજકીય પ્રેરિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી રહી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેનેડાની સરકારે કહ્યું હતું કે તેઓ તેમના દેશમાં યોજાઈ રહેલા કહેવાતા જનમત સંગ્રહને માન્યતા આપતા નથી.