અફઘાનિસ્તાનના સેના પ્રમુખની સંભવિત ભારત મુલાકાતથી તાલિબાનને થઈ અકળામણ

July 20, 2021

રીયાધ ઃ તાલિબાન સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે અફઘાનિસ્તાનના સેના પ્રમુખ જનરલ વાલી મોહમ્મદ અહેમદઝાઇ ભારતની મુલાકાતે આવનાર છે. તે 27-29 જુલાઇ સુધી ભારત પ્રવાસ પર રહેશે. સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવણે સહિત ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળી શકે છે.
અહમદઝાઇની ભારત મુલાકાત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અફઘાન સૈન્ય વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે. નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમુંડજેએ કહ્યું હતું કે જો તાલિબાન સાથે વાતચીત નિષ્ફળ જાય તો તેમની સામેના યુદ્ધમાં ભારત તરફથી સૈન્યની મદદ લઈ શકાય છે. તો બીજી તરફ સૂચના આપતી વખતે તાલિબાને કહ્યું હતું કે ભારતને તટસ્થ રહેવું જોઈએ અને તેણે અફઘાનિસ્તાન સરકારને કોઈપણ પ્રકારની સૈન્ય સહાય પૂરી પાડવી જોઈએ નહીં.
અફઘાન સૈન્યના વડાની ભારતની સૂચિત મુલાકાતને તાલિબાન માટે એક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પહેલેથી જ તાશ્કંદમાં કહ્યું છે કે કાબુલની જે શક્તિઓ બળના ઉપયોગ દ્વારા સત્તા પર કબજો મેળવવા માંગે છે તેને વિશ્વએ સ્વીકારવું જોઈએ નહીં. અફઘાનિસ્તાનનું ભવિષ્ય તેનું ભૂતકાળ બની શકે નહીં. વિશ્વ હિંસા અને બળ પ્રયોગ વિરુદ્ધ છે અને આ પ્રકારનાપગલાને કાયદેસરતા આપવી જોઈએ નહીં. તે સ્પષ્ટ છે કે ભારત સરકાર અફઘાનિસ્તાન સરકારની સાથે શાંતિપૂર્ણ વિકાસના કાર્યને પ્રાધાન્ય આપવા માંગે છે.


જો કે, અફઘાનિસ્તાનના એક્વિજીશન એન્ડ ટેકનિકલ પ્લાનિંગ મંત્રી પણ 11-16 જુલાઇ દરમિયાન ભારતની મુલાકાતે આવવાના હતા. પરંતુ બાદમાં તેનું શેડ્યૂલ બદલાયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનની મુલાકાત બાદમાં થવાની સંભાવના છે, પરંતુ તારીખો અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.