સપ્તાહ બાદ ભારતમાં શરૂ થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

September 24, 2022

- ભારતીય ઉપભોક્તાઓને ટૂંક જ સમયમાં અમુક પસંદગીના શહેરોમાં 5જી સેવાઓ મળવા લાગશે 


દિલ્હી- દેશમાં ઘણાં લાંબા સમયથી 5G નેટવર્કની રાહ જોવાઈ રહી હતી. જોકે હવે આખરે તેનો અંત આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી દેશમાં 5G સેવા શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ'માં 5G સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' 4 ઓક્ટોબર સુધી ચાલવાની છે. 


એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરતા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું (IMC) આયોજન સંયુક્તરૂપે દૂરસંચાર વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા કરવામાં આવે છે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. તેના કહેવા પ્રમાણે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઉંચાઈઓ પર લઈ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી વિશાળ ટેક્નોલોજી પ્રદર્શની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓની શરૂઆત કરશે. 


જાણકારોના મતે 5G ટેક્નોલોજી આવવાથી ભારતને ખૂબ જ ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરનારી વૈશ્વિક ઔદ્યોગિક સંસ્થાના મતે વર્ષ 2023થી 2040 દરમિયાન ભારતીય અર્થતંત્રને તેના કારણે 36.4 ટ્રિલિયન રૂપિયા (455 અબજ ડોલર)નો ફાયદો થવાની શક્યતા છે. 5જી સેવામાં વધુ સ્પીડ મળવાના કારણે લોકોનો સમય બચશે અને અનેક આધુનિક એપ્લિકેશનનો ઉપયોગ પણ સરળ બનશે. તેના કારણે ટ્રાન્ઝેક્શન ઉપરાંત ફાઈલ ડાઉનલોડ કરવામાં કે અપલોડ કરવામાં પણ ઝડપનો લાભ મળશે. પાંચમી પેઢી એટલે કે, 5જી દૂરસંચાર સેવાઓ દ્વારા અમુક જ સેકન્ડમાં મોબાઈલ અને અન્ય ઉપકરણો પર હાઈ ક્વોલિટીવાળા લાંબા વીડિયો કે ફિલ્મ ડાઉનલોડ કરી શકાશે. તે એક વર્ગ કિમીમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોનું સમર્થન કરશે.