ગુજરાત બાદ આ રાજ્યના પાંચ શહેરોમાં લાગ્યો રાત્રિ કરફ્યૂ

November 21, 2020

ભોપાલઃ ગુજરાતમાં અમદાવાદમાં સોમવાર સુધીના સંપૂર્ણ કરફ્યૂ અને સુરત, વડોદરા અને રાજકોરમાં રાત્રી કરફ્યૂના નિર્ણય બાદ હવે મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ વકરે નહી એ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં કંટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા કોઈ પણ જિલ્લા શહેર ક્ષેત્રમાં લોકડાઉન નહી લગાવવામાં આવે. આંતરરાજ્ય અને આંતર જિલ્લા પરિવહન સતત અને નિર્વિઘ્ન શરૂ રહેશે. વધારે સંક્રમણવાળા જિલ્લાઓમાં આવતીકાલે 21 નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી દુકાનો અને વેપાર યૂનિટ બંધ રહેશે અને નાગરિકો અતિ આવશ્યક હશે તો જ આ સમયગાળા દરમિયાન મુસાફરી કરી શકશે.
ઈંદૌર, ભૌપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વેપાર યૂનિટ બંધ રહેશે. ઔદ્યોગિક મજુરોના આવનજાવન અને ટ્રકોના પરિવહન પર કોઈ રોક નહી હોય. 1 થી 8 ધોરણ સુધીની તમામ શાળાઓ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. તેમજ ધોરણ 9 થી 12ના શાળાના વિદ્યાર્થીઓ વિભાગ દ્વારા જાહેર દિશા-નિર્દેશો અનુરૂપ શાળા કોલેજમાં આવી જઈ શકશે. ફેસ માસ્કનો ઉપયોગ જાહેર સ્થળોમાં નાગરિકો કરે તેનો સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લાઓમાં 21 નવેમ્બરથી જિલ્લા ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટિઓની બેઠકનું આયોજન કરી 22 નવેમ્બર સુધી જિલ્લા કલેક્ટર સરકારને સુચનો મોકલશે. ક્રાઈસેસ મેનેજમેન્ટની બેઠકમાં લગ્ન સામાજિક પ્રસંગોમાં ઉપસ્થિત લોકોની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે. જિલ્લામાં ક્યાં-ક્યાં કંટેન્ટમેન્ટ ઝોન બનાવવામાં આવે તે આ બેઠકોમાં નક્કી થશે.