મેચ હાર્યા પછી વિરાટ રડી પડ્યો, ત્રિપાઠીને નોટઆઉટ આપતાં અમ્પાયર્સ પર પણ ભડક્યો; ફેન્સે તેનાં બંને રૂપ જોયાં

October 12, 2021

કોલકાતા : IPL-14 ફેઝ-2ની એલિમિનેટર મેચ દરમિયાન વિરાટ કોહલીનો ઊગ્ર તથા ભાવુક સ્વભાવ ફેન્સ સામે આવ્યો હતો. મેચમાં સ્કોર ડિફેન્ડ કરતા સમયે અમ્પાયરે ત્રિપાઠીને નોટઆઉટ આપ્યો હોવાથી તેમના નિર્ણય પર તે ગુસ્સે થયો હતો. વળી બીજી બાજુ RCBના કેપ્ટન તરીકે છેલ્લી મેચ હારી જતા વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈને રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે, તેવામાં તેને મેદાન પર આમ તૂટી જતા જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા.

છેલ્લી ઓવરના ચોથા બોલ પર શાકિબ અલ હસને સિંગલ લીધાની સાથે જ કોલકાતાની ક્વોલિફાયર-2માં પ્રવેશ કરાવી RCBને 4 વિકેટથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક દિવસો પહેલા જ RCBના કેપ્ટન પદેથી આ સિઝન પછી રાજીનામું આપી દીધું હતું. તેવામાં આ મેચ 4 વિકેટથી હારી ગયાની ગણતરીની મિનિટમાં વિરાટ કોહલી ગ્રાઉન્ડ પર જ રડી પડ્યો હતો. તેને આમ રડતો જોઈને સોશિયલ મીડિયામાં પણ ફેન્સ તેના સપોર્ટમાં પોસ્ટ કરવા લાગ્યા હતા.