મહાદેવ, સોમનાથ, અલ્લાહ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે સ્પષ્ટતા કરી

November 27, 2022

અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ બેઠા છે : ઈન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદાસ્પદ નિવેદન


કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ચૂંટણી સભામાં કરેલા નિવેદનનો વીડિયો વાયરલ


અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે. રાજ્યમાં ચારેકોર રાજકીય ઉત્સવ જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પ્રચારો, સભાઓ, મુલાકાતો કરી મતદારોના મન પર બેસવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.


રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ એક જનસભામાં સંબોધન કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હંગામો મચ્યો છે. રાજ્યગુરુના જણાવ્યા મુજબ સોમનાથમાં અલ્લાહ રહે છે અને અજમેર શરીફમાં મહાદેવ બેઠા છે. અહેવાલો મુજબ ઈન્દ્રનીલ રાજ્યગુરુના જનસભામાં કરાયેલા નિવેદન બાદ ભીડે અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવ્યા. ઉલ્લેખનિય છે કે, રાજગુરુએ ચૂંટણી પ્રચાર દરમિયાન જંગલેશ્વરમાં જનસભાને સંબોધન કર્યું હતું.


ઈન્દ્રનીલ રાજગુરૂએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, મેં પૂછ્યું હતું કે, અલ્લાહ હુ અકબર બોલાવું તો તમે મહાદેવ હર બોલશો. તો ત્યાં સામે બેઠેલી 5000 જનતાએ મહાદેવ હરનો નાદ બોલાવ્યો. હું હિન્દૂ અને મુસ્લિમ એકતા ઇચ્છુ છું.