ટ્રમ્પને એક-પછી એક ઝાટકા, ટ્વિટર-ફેસબુક બાદ હવે YouTube ચેનલ પર પણ પ્રતિબંધ

January 13, 2021

વોશિંગ્ટન : ગૂગલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નું YouTube એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું ઑફિશિયલ એકાઉન્ટ છે. છેલ્લા કેટલાક દિવસથી ફેસબુક અને ટ્વિટરે પણ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કરી દીધું છે. જો કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે, પરંતુ તેમને ચેતવણી આપી છે. ચેતવણી એ હતી કે જો બાદમાં પોલિસીનું ઉલ્લંઘન થયું તો એકાઉન્ટ હંમેશા માટે બેન કરી દેવામાં આવશે. જો કે ફેસબુકે અનિશ્ચિતકાળ માટે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ (Suspend) કરી દીધું છે.

YouTubeથી ડોનાલ્ડ ટ્રમ્પની ઑફિશિયલ ચેનલ બેન કરી દેવામાં આવી છે અવે ઓછામાં ઓછા 7 દિવસ સુધી ટ્રમ્પની YouTube ચેનલથી કૉન્ટેંટ અપલોડ નહીં થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટથી ભલે નવા વિડીયો અપલોડ ના થાય, પરંતુ પહેલાના વિડીયો જોવા મળી શકે છે. YouTubeએ જો કે જૂના વિડીયોમાંથી પણ કૉમેન્ટનું ઑપ્શન હટાવી દીધું છે. યુએસ કેપિટલમાં હિંસા ભડકાવવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહ્યા છે.

ગૂગલે ટ્વીટ કર્યું છે કે, નીતિના ઉલ્લંઘન અને શક્ય હિંસાને ધ્યાનમાં રાખીને,  ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને નવી સામગ્રી હવે અપલોડ કરવામાં આવશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે નાગરિક અધિકાર જૂથોએ ગૂગલને ડોનાલ્ડ ટ્રમ્પના યુટ્યુબ એકાઉન્ટને સ્થગિત કરવા જણાવ્યું હતું. આમ કરવામાં નિષ્ફળ થતાં, નાગરિક અધિકાર જૂથોએ યુટ્યુબને વિશ્વવ્યાપી બૉયકૉટની ધમકી પણ આપી હતી.