પાટણ શહેર બાદ હવે આ તાલુકામાં 13 દિવસનું કડક લોકડાઉન, દુકાનો ખોલી તો મોટો દંડ

April 07, 2021

ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટના અવલોકન બાદ રાજ્ય સરકારે વિચારણા કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત બીજા ચાર મહાનગરો-ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલી જેવા 12 શહેરો મળીને હવે રાજ્યના કુલ 20 શહેરોમાં આજથી (બુધવાર) રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવાયો છે. 

એટલું જ નહીં, રાજ્યના ઘણા તાલુકા અને જિલ્લાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ગયા છે, ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મામાં 13 દિવસનું સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જેના કારણે બપોરે 1 વાગ્યા બાદ ચાણસ્માની બજારો બંધ રહેશે. આવશ્યક સેવા સિવાયની દુકાનો ખુલશે તો રૂ.1 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય પણ લેવાયો છે. જાણવા મળી રહ્યું છે કે, ચાણાસ્મામાં પાલિકા અને વેપારી સંગઠનોએ મળીને આ નિર્ણય કર્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે પાટણ શહેર બાદ ચાણસ્માના બજારો 13 દિવસ સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લેવાઈ ગયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા આ નિર્ણય લેવાયો છે. હાલ ચાણસ્મા તાલુકામાં કોરોના વાયરસના નોંધપાત્ર રીતે કેસ વધ્યા છે. ત્યારે આવતી કાલ 8 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બપોરે 1 વાગ્યા પછી સ્વયંભૂ બજારો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ચાણસ્મા પાલિકા અને તમામ વેપારી એસોસિએશન સંગઠન સમિતિ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ચાણસ્મા શહેરમાં મેડિકલની જરૂરિયાત સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે. તેમ છતાં કોઈ ધંધા રોજગાર ચાલુ રાખશે તો એક હજાર દંડની જોગવાઈ પણ કરાઈ છે.