પેટ કમિન્સ બાદ હવે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર બ્રેટ લીએ ભારતમાં ઓક્સિજન સપ્લાય માટે કરી દાનની ઘોષણા

April 28, 2021

મેલબોર્નઃ ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી આગળ આવ્યો છે. લીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ કે, તે ભારતમાં હોસ્પિટલો માટે ઓક્સિજનની અછત દુર કરવા માટે 1 બિટકોઈન દાન કરશે. ભારતીય રૂપિયામાં તે રકમ લગભગ 41 લાખ રૂપિયા જેટલી થાય છે, બ્રેટ લીએ કહ્યુ કે, ભારત હંમેશા તેના માટે બીજા ઘર સમાન રહ્યું છે. તેને પોતાની કારકિર્દી દરમિયાન અને નિવૃતિ બાદ આ દેશના લોકો પાસે જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે, તે તેના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. રોગચાળાનાં કારણે લોકોને સંઘર્ષ કરતા જોવા તેના માટે દુખદ છે. સૌભાગ્યની વાત છે કે તે લોકોની મદદ કરી શકે છે. તેને જોતા તે ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજન માટે 1 બિટકોઈન દાન કરવા ઈચ્છે છે. તેણે કહ્યું હું www.cyptorelief.in ને એક બીટકોઈન દાન કરૂ છું અને તેના દ્વારા ભારતની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પુરો પાડવામાં આવશે. વેલ ડન પૈટ કમિન્સ.' 
અત્રે ઉલ્લેખનિય છે કે કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે સોમવારે ભારતમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી દૂર કરવા માટે પીએમ કેર ફંડમાં 50000 ડોલર (આશરે 38 લાખ રૂપિયા) આપવાની જાહેરાત કરી હતી.