વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યા બાદ માતા-પુત્રીના શંકાસ્પદ મોત, પત્નીના ગળાના ભાગે ઇજાના નિશાન

October 11, 2021

 વડોદરા :વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત થયા છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા બાદ બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. જેને પગલે પોલીસે માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ન્યૂ સમા રોડ પર આવેલી 48, ચંદનપાર્ક સોસાયટી 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંનેની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો.

જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચુ કારણ બહાર આવશે.