ભૂકંપ બાદ લોકો કહેતા,'કચ્છ બેઠું નહીં થાય':અંજારથી મોદી બોલ્યાં

November 28, 2022

ભાવનગર  : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા તમામ રાજકીય પાર્ટીઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે વડાપ્રધાન ગઈકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને આજે પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જેણે 40-40 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું એના ખભે હાથ મૂકીને એક ભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે. ત્યારબાદ વડાપ્રધાને અંજારમાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાં જણાવ્યું કે, 70 વર્ષમાં દેશમાં જેટલા ઘર નથી બન્યા એટલા અમે 27 વર્ષમાં ગુજરાતમાં બનાવ્યા છે. જેમાં સૌથી વધુ કચ્છમાં બન્યા છે. અંજારથી વડાપ્રધાન જામનગર જવા રવાના થયા છે. જ્યાં સભાને સંબોધન કરીને રાજકોટ જશે.

વડાપ્રધાને 'મુંજા કચ્છી ભા ભેંણો કિ આઇ યો' કચ્છીમાં બોલીને ભાષણની શરૂઆત કરી હતી. બાદમાં જણાવ્યું હતું કે, આ કચ્છની ધરતી કૌશલ્યની ધરતી છે, ઇચ્છાની ધરતી છે. હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે. 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને તબાહી મચી ત્યારે લોકો કહેતા કચ્છ બેઠું નહીં થાય, કચ્છ બેઠું પણ થયું અને આખા ભારતમાં તેજ ગતિથી દોડી રહ્યું છે. આઝાદીના 75 વર્ષ આપણે ઉજવ્યા, 100 વર્ષ થશે ત્યારે 25 વર્ષનો અમૃતકાળ ઉજવીશું, 100 વર્ષે અમૃતકાળમાં ભારત વિકસીત થાય એ માટે આપણે કામ કરવાનું છે. જેને વહેમ હોય તે કચ્છની વિકાસ યાત્રા જોઇ લે, અમે વિકસીત ભારત બનાવીને રહીશું. આ ચૂંટણીમાં આપણે 5 વર્ષનો નહીં 25 વર્ષનો નિર્ણય કરવાનો છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કચ્છએ 2022માં નિર્ણય કર્યો હતો કે મોદી સાથે ચાલવું છે અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં કચ્છમાં જ્યારે આવું ત્યારે 50 લોકો મળ્યા હોય એમાં 49 લોકો નર્મદાની વાત કરતા, હવે કચ્છના છેવાડાના ગામડાના પાણીમાં પહોંચ્યું છે, આ મોદી જ કરી શકે. કચ્છ મારૂ પાણીદાર બન્યું છે, ત્યારે કોંગ્રેસને ઝીણવક પૂર્વક જોવાની જરૂર છે. કોંગ્રેસ એટલે કોણ? કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન, કચ્છમાં પાણી ન પહોંચે એના માટે જે ષડયંત્ર કરતું હતું, કોંગ્રેસની એની જોડે ભાઇબંધી હતી. હું મુખ્યમંત્રી બન્યો અને મે સોગંધ લીધા કે પાણી તો આપવું જ અને આપ્યું પણ ખરા..વાતોના વડા કરવાવાળા અમે લોકો નથી, અમે કચ્છના રોટલા ખાધા છે. કચ્છમાં જવાર, બાજરી જેવા અનાજ પાકતા આપણે નક્કી કર્યું અને બાગાયતી ખેતી ચાલું કરી, પોષણ માટે જાડુ અનાજ કામમાં આવે તે માટે આપણે 2023માં મિલેટીયન વર્ષ મનાવશુ, જાડુ અનાજ એટલે જવાર, બાજરી જેવા અનાજ.. મિલેટીયન વર્ષથી આખી દુનિયામાં ગુજરાત અને કચ્છ દેખાશે. અહીં બન્નીની ભેસની પણ દુનિયામાં ચર્ચા થઇ રહી છે.