અમદાવાદ અગ્નિકાંડ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે

August 06, 2020

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આજની દુર્ઘટનાએ આખા દેશમાં તેના પડઘા પાડ્યા છે. આજની આ આગની ઘટનામાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાઈ ગયા હતા. ત્યારબાદ પીએમથી લઈને ગૃહમંત્રી અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, મેયર, ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકોએ દુ:ખની લાગ્ણી પ્રક્ટ કરી છે. આજે બનેલી ઘટનામાં સવારે વહેલી સવારે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થિતિ એવી પણ આવી પડી હતી કે અનેક સ્વસ્થ લોકો કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા.

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટનામાં જે 8 લોકો ભડથું થયા છે, તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પીએમ અમદાવાદ સિવિલમાં થશે. આ ગમખ્વાર ઘટનામાં મોતને ભેટલા લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા. હવે પીએમના સ્ટાફને પીએમ દરમિયાન કઈ-કઈ ગાઈડલાઇનનું પાલન કરવાનું પડશે તેની જાણ થયા બાદ પીએમની પ્રક્રિયા હાથ ધરાશે.

શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટનામાં મોતને ભેટલા લોકોના પોસ્ટમોર્ટમ વિશે અમદાવાદ સિવિલના ઇન્ચાર્જ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાના મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાના દર્દી પાસે જતા પહેલા સાવધાની રાખવામાં આવતી હતી, તેવી તમામ તકેદારી પીએમ કરતી વખતે રાખવામાં આવશે. પીએમ કરનાર લોકો PPE કીટ પહેરીને પીએમ કરશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવરંગપુરા વિસ્તારમાં આવેલી AMC દ્વારા કોરોના માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગની ઘટના બનવા હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 42 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.