અમદાવાદ: લગ્નનાં 5 દિવસ બાદ બહેનની નજર સામે જ ભાઇની કરપીણ હત્યા

August 01, 2020

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સગી બહેનની હાજરીમાં ભાઈની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં સારવાર દરમિયાન ઘાયલ થયેલા ધર્મેશનું મોત નિપજ્યું છે. ધર્મેશની મોત બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવા કવાયત તેજ કરી છે.
અમદાવાદના ઠક્કર નગર પાસે આવેલા વસંતનગરના છાપરામાં રહેતા ધર્મેશ પોતાની બહેન સાથે નાસ્તો લેવા નીકળ્યો હતો. પરંતુ ધર્મેશને ખ્યાલ ન હતો કે તેનુ મોત ઠક્કર નગર ચાર રસ્તા પાસે તેની રાહ જોઈ રહ્યું છે. અને બન્યું પણ એવું જ મુખ્ય આરોપી વિજય ચુનારા અને તેના સાગરીતોએ ભેગા મળી ધર્મેશની હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા.
ધર્મેશની હત્યાના બનાવમાં કૃષ્ણનગર પોલીસે હવે મુખ્ય આરોપી વિજય ચુનારા સહિતના પાંચ શખ્સોને પકડવા કવાયત તેજ કરી છે. ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો, ધર્મેશ અને વિજય વચ્ચે અગાઉ પણ તકરાર થઈ ચૂકી હતી. જેના કારણે જે તે સમયથી તેમની વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. દરમિયાનમાં ગઈકાલે ધર્મેશને મારવા ફરી રહેલા વિજય ચુનારાને ધર્મેશનો ભેટો થઈ ગયો હતો અને જાહેર રસ્તા પર જ ધર્મેશની બહેન સામે આરોપીઓએ તેનું ઢીમ ઢાળી દીધું. હત્યા કરનાર વિજય ચુનારા સહિતના પાંચેય આરોપીઓને ગુનાહિત ઈતિહાસ પણ પોલીસે મેળવ્યો છે. અને હત્યાની ચકચારી ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પકડવા માટે હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એક તરફ ધર્મેશના મોતથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કારણ કે ધર્મેશના લગ્નનને 5 દિવસ જ થયા છે. ત્યાં ધર્મેશની હત્યા નિપજાવી દેવામા આવી. જેથી હત્યા જેવી ગંભીર ઘટનાને ઉકેલવા અને અપરાધીઓને જેલના સળિયા પાછળ મોકલવા પોલીસની ટીમ કાર્યરત છે.