આઈપીએલ ૨૦૨૨ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લીલીઝંડી

January 11, 2022

નવી દિલ્હી: આઈપીએલ ૨૦૨૨ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને આખરે બીસીસીઆઈ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લેટર ઓફ ઈન્ટેન્ટ આફી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સીવીસી કેપિટલ પાર્ટનર્સે ૫૬૨૫ કરોડની બોલી લગાવી અમદાવાદ ફ્રેન્ચાઈઝી હાંસલ કરી હતી. જો કે આ કંપનીના બેટિંગ ફર્મ સાથેના સંબંધોને કારણે બીસીસીઆઈ દ્રારા તેને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો ન હતો. જો કે હવે બીસીસીઆઈ તરફથી ક્લિયરન્સ મળી રહેવાં અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા નવા કોચ, મેન્ટર સહિત કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીના કોચ કોચ તરીકે રવિ શાસ્ત્રી કે આશિષ નહેરાનું નામ ચર્ચામાં છે. જ્યારે અમદાવાદ ટીમનો કેપ્ટન શ્રૈયસ ઐય્યર બની શકે છે. આઈપીએેલ ૨૦૨૨ માટે બીસીસીઆઈ દ્વારા બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં લખનઉની ટીમ માટે આરપી-સંજીવ ગોયક્ના ગ્રૂપ દ્વારા ૭૦૯૦ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. અને અમદાવાદ ટીમ માટે સીવીસી કેપિટલ પાર્ટનર્સ દ્વારા ૫૬૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. જો કે, લખનઉ ફ્રેન્ચાઈઝીના માલિકને લઈને કોઈ વિવાદ ન હોવાથી બીસીસીઆઈ દ્વારા ગોયક્ના ગ્રૂપને તાત્કાલિક લેટર ઓફ ઈન્ટેન્ટ આપી દેવામાં આવ્યો હતો. જો કે, સીવીસી કેપિટલ પાર્ટનર્સના સટ્ટાબાજી કરતી કંપનીઓ સાથે સંબંધ હોવાના આરોપ હતા. જે બાદ બીસીસીઆઈ દ્વારા સીવીસી કેપિટલ પાર્ટનર્સને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો ન હતો. અને આ કારણે આઈપીએલ ઓક્શન તારીખ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ બીસીસીઆઈ અને સીવીસી કેપિટલ વચ્ચે તમામ બાબતોના સ્પષ્ટીકરણ બાદ બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝીને લીલીઝંડી આપી દીધી છે.