અમદાવાદ: આગ બાદ શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ

August 06, 2020

અમદાવાદ : કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની પ્રથમ ઘટના બની છે. જેમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે. હોસ્પિટલના તંત્ર દ્વારા અનેક માહિતીઓ છુપાવવામાં આવી રહે છે. તેવો દર્દીઓના સ્વજનો દ્વારા આક્રોશ કરાયો છે.

મોટી સંખ્યામાં દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર એકઠા થયા છે. પરંતુ તેઓને સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી રહી. તેથી સ્વજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે.

આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી. સ્વજનોમાં રોષ જોવા મળ્યો. તેઓને કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રહી. કેટલાક સ્વજનોએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે.

આગ નહીં, પણ ઓક્સિજનની અછતથી મોત થયું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોએ ભારે આક્રંદ કર્યો હતો. તેઓ પોતાના સ્વજન સ્વસ્થ છે કે નહિ તે જાણવા માંગતા હતા. હોસ્પિટલના સત્તાધીશો તેમની સાથે વાત કરવા માંગતા નથી.

મુખ્યમંત્રીએ વિગત માગી

તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની નોંધ લઈને અમદાવાદ મનપા પાસેથી ઘટનાની માહિતી મંગાવી છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ઘટના અંગે જાણ કરાઈ છે. તો આરોગ્ય સચિવ જયંતી રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સીએમ સાથે વાત થઈ છે. ઈન્વેસ્ટીગેશન યોગ્ય રીતે કરાશે. જે લોકો હાલ ખસેડાયા છે, તેઓને યોગ્ય રીતે સારવાર મળે તે અમારી પ્રાથમિકતા છે. વધુ મોત ન થાય તે માટે કામ શરૂ કર્યું છે. પહેલા તપાસ કરાશે અને ત્યાર બાદ કાર્યવાહી કરાશે. તો મેયર, એમએલએ રાકેશ શાહ, કોર્પોરેટર અમિત શાહ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા છે.

ઘટના સ્થળે પહોંચેલા એસીપી ઝાલાએ જણાવ્યું કે, માત્ર 8 દર્દીઓના મોત નિપજ્યા છે અને બાકીના 41 દર્દીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં મોકલી અપાયા છે. આગ બાદ હોસ્પિટલમાં બારી તોડીને દર્દીઓને બહાર કઢાયા હતા. ફાયર વિભાગ દ્વારા સેમ્પલ લઈને રિપોર્ટ આપશે તેના બાદ કાર્યવાહી શરૂ કરીશું. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

એક્સિડેન્શિયલ કેસ ફાઈલ કરાયો છે. ફાયર અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અંદર જશે. કોરોના વોર્ડ હોવાથી તેને સેનેટાઈઝ કર્યા બાદ જ અંદર જઈ શકાશે. કોઈ લાપરવાહી સામે આવશે તો એફઆઈઆર દાખલ કરીશું.