અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદી કર્યો આપઘાત, સ્યુસાઈટ નોંટમાં લખ્યું- પરિવારની માફી માંગુ છું

July 21, 2021

અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ધમાચકડી મચી ગઈ હતી. ગેંગરેપ કેસમાં ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓમાંથી જૈમિન પટેલ નામના કાચા કામના કેદીએ આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ ફાંસો ખાધેલી લાશ મળી આવતા જ જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા.
વર્ષ 2020 માં ગેંગરેપ કેસમાં બિલ્ડર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપી પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિજ્ઞેશ ગોસ્વામી અને જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે જૈમિન પટેલ નામના કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જૈમિન પટેલ સેન્ટર જેલની 200 નંબરની ખોલીમાં કાચા કામના આરોપી તરીકે રહેતો હતો.
જો કે, જૈમિન પટેલની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલા આરોપી જૈમિન પટેલે સ્યુસાઈટ નોટ લખી હતી. આ સ્યુસાઈટ નોટમાં જૈમિન પટેલે લખ્યું હતું કે, આ કેસમાંથી હું બહાર આવી શકીશ નહીં. હું મારા પરિવારની માફી માંગું છું. ઉલ્લેખનીય છે કે, જૈમિન સહિતના આરોપીઓ સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાયેલી છે.