કોવિડ-૧૯ સામે કેટલાક સ્થળે પ્રવાસીઓને ઈન્સ્યોરન્સ આપવાની એર કેનેડાની ઓફર

September 07, 2020

  • મેકિસકો અને કેરેબિયન રાષ્ટ્રો માટે યોજના અમલી બનશે, જર્મનીની ઈન્સ્યોરન્સ કંપની સાથે એર કેનેડાની ભાગીદારી

ઓન્ટેરિયો : કોવિડ -૧૯ની મહામારીથી અસર પામનારી વિશ્વની બધી એરલાઈન્સની જેમ આર્થિક સ્થિતિ સુધારવા હવે એર કેનેડા કેટલાક ડેસ્ટીનેશનના પ્રવાસીઓને વિનામૂલ્યે કોવિડ -૧૯ માટેનો ઈન્સ્યોરન્સ આપવાની ઓફર કરી રહી છે. ટીવીએ નોઉવેલેસના અહેવાલ મુજબ જાહેરાત મેકિસકો અને કેરેબિયન રાષ્ટ્રો માટે અમલી બનશે. જેને માટે તેણે જર્મનીની ઈન્સ્યોરન્સ કંપની એલિયાન્ઝગ્લોબલ આસિસ્ટન્સ સાથે ભાગીદારી કરી છે. નવી ઓફર માટે બ્રોકરેજ પેઢી ટીડબલ્યુ ઈન્સ્યુરન્સ સર્વિસીઝ પણ એમાં જોડાશે. સોમવારથી મળનારા વધારાના કવરેજમાં કવોરેન્ટાઈન સુવિધાનો ખર્ચ તથા કોવિડ -૧૯ સંબંધિત ઈમરજન્સી મેડીકલ બિલનો સમાવેશ થાય છે. જો પ્રવાસી વિદેશમાં હોય ત્યારે કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોય તો લાભ મળશે.

અહેવાલ મુજબ કવરેજ પ્રવાસ કરનાર વ્યકિતદીઠ દરેક ટ્રીપ માટે એક લાખ યુએસ ડોલર સુધીનું હશે અને જો પ્રવાસી વિદેશમાં મૃત્યુ પામે તો એટલું વળતર પણ એમાં સામેલ છે. એર કેનેડા વેકેશન્સના મેનેજીંગ ડાયરેકટર નિનો મોન્ટાજીનીસે કહ્યું હતું કે, અમને એવા પ્રથમ કેનેડીયન ટુર ઓપરેટર બનવાની તક મળી આનંદની વાત છે. જે કોવિડ -૧૯ સંબંધિત ઈમરજન્સી મેડીકલ સારવાર અને કવોરેન્ટાઈન સુવિધાનો ખર્ચ અમારા વેકેશન પેકેજમાં સમાવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે,' અમે એલિયાન્ઝગ્લોબલ આસિસ્ટન્સ સાથે ભવિષ્યમાં પણ જોડાયેલા રહેવા માંગીએ છીએ.જેથી અમારા ગ્રાહકોના પ્રવાસના સપના સાચા ઠરી શકે. જો કે કેનેડાની સરકાર તો હજુ પણ લોકોને બિનજરૂરીવિદેશ પ્રવાસ ટાળવા કહી રહી છે. કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સીના આંકડા મુજબ જમીન માર્ગે અને હવાઈ માર્ગે કેનેડાની સરહદ પાર કરનારાઓનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીમાં ઓગસ્ટ દરમિયાન ૯પ ટકા ઘટી ગયું છે.