આઈશા:ફોન રેકોર્ડિંગમાં ખુલાસો, ગર્ભમાં રહેલું બાળક આરિફનું નહીં આસિફનું હોવાનો આઈશાના સાસરિયાઓ આક્ષેપ કરતા, મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો

March 03, 2021

અમદાવાદ : અમદાવાદના વટવા માં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઈશા મકરાણીએ પતિ અને તેના સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરિફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરિફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. આરિફને કોર્ટમાં રજૂ કરવાના હતા એ પહેલાં આઈશાને ન્યાય મળે તેના માટે આઇશાના પિતા સવારે આઈશાની કબર પર દુઆ માગીને આવ્યા હતા. ફરિયાદી આઈશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણના જણાવ્યા મુજબ આઈશા અને આરિફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી, તેમાં છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આઈશાના ગર્ભમાં રહેલું બાળક આરિફનું નહીં, પરંતુ આસિફનું હોવાનું કહે છે અને તેને લઇ આરિફ અને તેના સાસરિયાઓ આઈશાને હેરાન તેમજ મારઝૂડ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે આઈશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આઈશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.

ફરીયાદીના વકીલ ઝફરખાનના જણાવ્યા મુજબ મૃતક આઈશાની કબર પરના ફૂલ હટ્યા નથી, ત્યાં મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાની માહિતી મળી છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં મોટી બહેન પિંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.