એલન મસ્ક અને બેજોસની નજર હવે સ્પેસ ટુરિઝમ ઉપર

June 12, 2021

આદિકાળથી માનવી જિજ્ઞાસુ રહ્યો છે અને તેને હંમેશા જળ, ધરતી, પાતાળ અને અંતરિક્ષના રહસ્યો જાણવાની ઉત્કાંઠા રહેલી છે. એમાં પણ અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયામાં રોમાંચ વ્યાપી ગયો હતો. શરૂઆતના વર્ષોમાં અમેરિકા અને સોવિયત સંઘે પહેલા અવકાશ અને પછી ચંદ્ર સુધી પહોંચવાની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતુ. જોકે ચંદ્રની ધરતી સાવ નિર્જીવ અને નપાણી જણાતા આ દેશોનો ચંદ્રમાંથી રસ ઓછો થઇ ગયો. ત્યારબાદ મંગળ ગ્રહ તરફ સંશોધકોનુ આકર્ષણ વધ્યું છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં માત્ર મંગળ જ એવો ગ્રહ છે જ્યાં માનવજીવનની સંભાવના દેખાઈ છે. મંગળ ગ્રહમાં વૈજ્ઞાનિકોને ખાસ રસ હોવાનું બીજું કારણ એ છે કે, આ ગ્રહનો વર્તમાન જોતા એવું લાગે છે કે ભૂતકાળમાં ત્યાં જીવન પાંગર્યું હશે. ઘણાં વૈજ્ઞાનિકોને તો પૃથ્વીનું ભવિષ્ય પણ હાલના મંગળ જેવું જ હશે તેમ લાગે છે. હાલ તો મંગળ પરનું વાતાવરણ સાવ પાંખું છે અને માનવવસવાટને યોગ્ય નથી. પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે, ભવિષ્યમાં ટેકનોલોજી દ્વારા મંગળ ગ્રહને વસવાટ કરવા માટે લાયક બનાવી શકાશે. 
આજે અમેરિકા, રશિયા, ચીન અને યુરોપના દેશો અંતરિક્ષ તરફ દોટ લગાવી રહ્યાં છે. હવે આ રેસમાં ભારત પણ આ દેશોની સરખામણીએ ક્યાંય ઓછાં ખર્ચે અને વધારે ઊંચા સ્ટ્રાઇકરેટ સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી ખાનગી કંપનીઓ પણ અવકાશયાત્રામાં ઘણો રસ લઇ રહી છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ આ રેસમાં સૌથી આગળ છે. વર્ષ ૨૦૦૨માં અમેરિકાના બિઝનેસ ટાયકૂન એલન મસ્કે આ કંપનીની સ્થાપના કરી હતી. અનેક કંપનીઓ ધરાવતા એલન મસ્કની દરેક કંપનીનો હેતુ એક જ છે અને એ છે માનવી ઉપર તોળાઇ રહેલા ત્રણ જોખમોના તોડ શોધવા. આ ત્રણ જોખમ છે, ક્લાયમેટ ચેન્જ, માત્ર પૃથ્વી પર માનવીની નિર્ભરતા અને માનવ પ્રજાતિ સાવ નકામી બની જવાનો ખતરો. જેમ જેમ મશીનો સક્ષમ બની રહ્યાં છે તેમ તેમ માણસો નકામા બની રહ્યાં છે. 
ટેસ્લા મોટર્સ, સોલર સિટી અને ધ બોરિંગ કંપની ઉર્જાના સ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરીને ક્લાયમેટ ચેન્જ સામે લડવાની પ્રયાસ કરી રહી છે. હવે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ૨૦મી જુલાઈએ પોતાના ભાઇ માર્ક બેજોસ સાથે અંતરિક્ષની સફરે જવાની તૈયારી કરી રહ્યા છે. અંતરિક્ષની સફર જેટલી ખર્ચાળ છે એટલી જ જોખમી પણ છે. જે રોકેટમાં બેજોસ બંધુઓ જવાના છે એ ન્યૂ શેપર્ડનું ૧૪ વખત પરીક્ષણ થયું છે. એલન મસ્ક અને જેફ બેજોસની નજર સ્પેસ ટૂરિઝમ ઉપર છે. 
બેજોસે આ સ્પેસ ક્રાફ્ટને એનએસ-૧૪ નામ આપ્યું છે. સ્પેસ ટૂરિઝમ થોડી મિનિટોનું જ હોય છે. અંતરિક્ષમાં બહુ દૂર પણ લઇ જવામાં આવતા નથી. અર્થ ઓર્બિટલની બહાર સબ ઓર્બિટલ સ્પેસમાં લઇ જઇ મુસાફરને ગ્રેવિટીલેસ એટમોસ્ફીયરની અનુભૂતિ કરાવાશે. બંનેએ અંતરિક્ષમાં લોકોને ફરવા મોકલવાના પ્લાનિંગથી માંડીને કોલોની વસાવવા સુધીની વાતો કરી છે. સ્પેસ ટૂરિઝમની ઘણી બધી વાતો સામાન્ય લોકો માટે પરીકથાઓ જેવી જ છે. દુનિયાના રિચેસ્ટ પર્સન્સમાં જેમની ગણના થાય છે એવા જેફ બેજોસ અને એલન મસ્કની નજર ઘણા સમયથી સ્પેસ ઉપર મંડાયેલી છે. જમીન, દરિયા અને આકાશમાં તો અનેક લોકોએ અત્યાર સુધીમાં ઘણુંબધું ખેડાણ કરી લીધું છે. હવે બિયોન્ડ ધ સ્કાય અને જ્યાં ગ્રેવિટીના નિયમો કામ કરતા નથી એવા અંતરિક્ષમાં બંનેની નજર ઠરી છે. વિમાનમાં હોય છે તેનાથી ત્રણ ગણી મોટી ઓબ્ઝર્વેશન વિન્ડોમાંથી અંતરિક્ષ જોઈ શકશે. ડેનિસ ટીટોનું નામ ર્ફ્સ્ટ સ્પેસ ટૂરિસ્ટ તરીકે નોંધાયેલું છે. ૨૦૦૧માં તેઓ રશિયન સોયૂઝ યાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા અને આઠ દિવસ રોકાયા હતા.  હાલ જેફ બેજોસે એવી જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા છે કે, તેઓ પોતાના ભાઇ માર્ક સાથે ૨૦મી જુલાઇના રોજ અંતરિક્ષની સફરે જવાના છે.   તેઓ જે યાનમાં બેસીને અંતરિક્ષની સફરે જવાના છે તે માટે હરાજી થઈ હતી. ૧૪૩ દેશોના ૬ હજારથી વધુ લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો. સૌથી ઊંચી બોલી ૨૮ લાખ ડૉલરની હતી. આ રકમ બ્લૂ ઓરિજિન ફઉન્ડેશનને દાનમાં આપી દેવાશે. 
હવે અંતરિક્ષમાં જવા માટે ૨૦મી જુલાઇ પસંદ કરવા પાછળ પણ રસપ્રદ કારણ છે. ૨૦મી જુલાઇએ મૂન ડે છે. ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ એપોલો-૧૧ યાન નીલ આર્મસ્ટ્રોંગને લઇને ચંદ્ર પર પહોંચ્યું હતું. એમેઝોન છોડીને જેફ્ હવે સ્પેસ ટૂરિઝમ માટે બનાવેલી બ્લૂ ઓરિજિન સ્પેસશિપ કંપની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એ સિવાય પણ જેફ્ પોતાના અન્ય વેન્ચર્સ બેજોસ અર્થ ફ્ંડ, એમેઝોન ડે વન ફ્ંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ સાથે તો જોડાયેલા છે જ. જેફ્ને ખબર છે કે, પોતાની સ્પેસ કંપનીને આગળ લઇ જવા માટે પોતાની અંતરિક્ષ સફર જરૂરી છે.
જેફે કહ્યું કે, સ્પેસમાં ફરવા જવું એ તો મારું સપનું હતું. ઇન્સ્ટાગ્રામ પર બેજોસે લખ્યું કે, અંતરિક્ષમાંથી ધરતીને જોવી એ એક એવી ઘટના છે જે આપણને બદલી નાખે છે.  જેફ બેજોસની બ્લૂ ઓરિજિન સ્પેસ કંપની સામે એલન મસ્કની સ્પેસએક્સ કંપનીને સ્પર્ધા છે. એલન મસ્કના ઇરાદા તો સ્ટારશિપ નામના સ્પેસ ક્રાફ્ટ દ્વારા મંગળ ગ્રહ સુધી પહોંચીને મંગળ પર કોલોની બનાવવાના છે. એલન મસ્ક નાસા સાથે મળીને વિશ્વમાં પહેલી વખત મહિલાને ચંદ્ર પર મોકલવાના મિશન પર પણ કામ કરી રહ્યા છે. મે મહિનામાં જ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સાથે એલન મસ્કે મૂન મિશન માટે ૨.૮૯ અબજ ડૉલરના કરાર કર્યા હતા. જેફ બેજોસ પણ નાસા સાથે કરાર કરવા માટે ઉત્સુક હતા., પરંતુ એલન મસ્ક બાજી મારી ગયા હતા. 
નાસા સાથેની ડીલના મામલે પણ જેફ્ અને એલન વચ્ચે ચડભડ થઇ હતી. જેફે એવું કહ્યું હતું કે, નાસાએ ખોટી રીતે એલન મસ્ક સાથે ડીલ કરી છે. તેની સામે એલન મસ્કે ટોણો માર્યો હતો કે, એવું કરવાની જેફ બેજોસની તાકાત નથી. સ્પેસ ટૂરિઝમના ક્ષેત્રમાં બેમાંથી કોણ કાઠું કાઢે છે એના પર હવે આખી દુનિયાની નજર મંડાયેલી છે. અંતરિક્ષમાં ફરવા જવું એ ખર્ચાળ તો છે જ સાથોસાથ જોખમી પણ છે. આમ છતાં દુનિયામાં એવા અસંખ્ય માલેતુજારો છે જેને અંતરિક્ષમાં ફરવા જવાની ઈચ્છા છે. જેફ બેજોસની બ્લૂ ઓરિજિન, એલન મસ્કની સ્પેસએક્સ ઉપરાંત રિચર્ડ બ્રોનસનની વર્જિન ગાલાસ્ટિક, ફ્રેંક બન્જરની ઓરિઅન સ્પાન, બોઈંગ સહિત અનેક કંપનીઓ અત્યારે સ્પેસ ટૂરિઝમ પર કામ કરી રહી છે. એલન મસ્કે પણ અંતરિક્ષની સફરે જવાની ઇચ્છા વ્યક્ત કરી જ છે પણ જેફ બેજોસ તેના પહેલાં જઇ આવશે! બંને વચ્ચે અંતરિક્ષમાં જવા માટે પણ હરીફઈ હતી જ !