ટ્વિટરના સોદામાં એલન મસ્કની ગુલાંટ

July 16, 2022

  • એલન મસ્કના વલણ સામે ટ્વિટરની ધમકીથી કાનૂની જંગના એંધાણ
  • મસ્કના વિરોધીઓ કહે છે કે, સ્પામ બોટનું તો બહાનું છે, બાકી મસ્કને ટ્વિટર ખરીદવામાં નહીં પરંતુ તેનો ઉપયોગ કરીને રોકડી કરવામાં રસ હતો 
વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર ખરીદવામાં અંતે પીછે હઠ કરી છે. મસ્કે એપ્રિલમાં ૪૪ અબજ ડોલર આપીને ટ્વિટર કંપની ખરીદવાની જાહેરાત કરી ત્યારે છ મહિનામાં કંપનીને ટેઈકઓવર કરવાની પ્રક્રિયા પૂરી થઈ જશે એવો દાવો થયો હતો. પરંતુ જુલાઈ પુરો થાય તે પહેલાં જ મસ્ક પાણીમાં બેસી ગયા. મસ્કે આ અંગે ગત શુક્રવારે જાહેરાત કરી સ્પષ્ટ કર્યુ હતુ કે, હાલ તેઓ ટ્વિટર સાથેનો સોદો કરશે નહીં. કારણ કે, વારંવાર માગવા છતાં ટ્વિટર ફેક એટલે કે નકલી એકાઉન્ટ્સ અંગેની વિગતો અમને આપતી નથી. 
મસ્કની કંપનીએ એવી ચોખવટ પણ કરી છે કે, સોદો રદ નથી થયો, પણ હાલ પૂરતો મોકૂફ રખાયો છે. તેથી ભવિષ્યમાં સોદો થઈ પણ શકે. ટ્વિટરને ખરીદવાના પ્રયત્નો પહેલાં પણ થયા હતા પણ સફળ નહોતા થયા. ટ્વિટરનો આઈપીઓ ૨૦૧૩ના નવેમ્બરમાં આવ્યો તેના લગભગ ત્રણ વર્ષ પછી ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં ટ્વિટરને ખરીદી લેવા ટોચની કંપનીઓ દ્વારા સંપર્ક કરાયો હોવાની વાતો ફેલાઈ હતી. ટ્વિટર પાસે એ વખતે જ ૨૦ કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ હતા. તેના કારણે મોટી મોટી કંપનીઓને ટ્વિટરની ખરીદીમાં રસ જાગ્યો હતો. ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઉપરાંત માઈક્રોસોફ્ટ, વેરિઝોન, સેલ્સફોર્સ, વોલ્ટ ડિઝની જેવી કંપનીઓને ટ્વિટરની ખરીદવામાં રસ હતો.
આ વાતો બહાર આવતાં જ ટ્વિટરના શેરના ભાવમાં મહિનામાં ૨૦ ટકાનો ઉછાળો વર્તાયો હતો. તે સમયે ટ્વિટરના બોર્ડે આ અંગે તેને ઓફર મળી હોવાનું સ્વીકાર્યું હતુ સાથે જ યોગ્ય ઓફર માટે બોર્ડનું વલણ હકારાત્મક હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. બોર્ડે એવું પણ કહ્યું હતુ કે, ૨૦૧૬ના અંત સુધીમાં સોદો થઈ શકે છે. જો કે, ભારે સસ્પેન્સ પછી ઓક્ટોબરમાં જાહેર કરાયું કે, ટ્વિટર નહીં વેચાય. આ વખતે સત્તાવાર રીતે કોઈ કારણ નહોતું અપાયું પણ ત્યારે પણ મુદ્દો બોગસ એકાઉન્ટ્સ અને તેમના દ્વારા કરાતા પ્લેટફોર્મના દુરુપયોગનો મુદ્દો કારણ હતો. 
ટ્વિટર ખરીદવામાં રસ ધરાવતી કંપનીઓની ચિંતાઓનો ઉકેલ કંપની પાસે નહોતો. તેથી છેવટે બધી કંપનીઓ તેમાં આગળ ધપી નહીં. ટ્વિટરના બોર્ડે પણ કંપની વેચવાનો વિચાર માંડી વાળીને ૨૦૧૭ના જૂનમાં ડેશબોર્ડમાં સુધારો કરીને નવાં રૂપરંગ આપ્યાં. તેના કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ટ્વિટરના યુઝર્સ ધરખમ રીતે વધ્યા છે.  ભારત પાસે પોતાનું જોરદાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી તેથી ટ્વિટર માટે ૪૪ અબજ ડોલર જેવી જંગી રકમની બોલી બોલાઈ તેનું લોકોને આશ્ચર્ય થયેલું. ટ્વિટરની એવી તે શું કમાણી છે કે મસ્ક જેવો પાકો બિઝનેસમેન આટલા બધા રૂપિયા તેમાં નાંખવા તૈયાર થઈ ગયો એવો સવાલ પણ લોકોને થાય છે. આ સવાલનો જવાબ મેળવવા ટ્વિટરનું બિઝનેસ મોડલ સમજવું જરૂરી છે. વિશ્વમાં ટ્વિટરના સક્રિય યુઝર્સની સંખ્યા લગભગ ૩૩ કરોડ છે. વિશ્વમાં યુઝર્સની રીતે ટ્વિટર સોળમા નબરનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. ૨૦૨૧માં ટ્વિટરની કુલ આવક ૫.૦૮ અબજ ડોલર સુધી પહોંચી હતી. તેમાંથી ૪.૩ અબજ ડોલર એડવર્ટાઈઝિંગમાંથી કંપનીને મળ્યા હતા. કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસને લગતી સાદી ટ્વિટ કરે એ પ્રમોટેડ એડ છે. જ્યારે નવા ફોલોઅર બનાવવા ફોલોઅર એડ લેવાય છે. કોઈ મૂવી કે નવી પ્રોડક્ટ-સવસ ટ્વિટર ટ્રેન્ડ કરે એ પણ જાહેરખબર હોય છે. બે લાખ ડોલરની આસપાસ રકમ ચૂકવીને કશાને પણ ટ્રેન્ડ કરાવી શકાય છે.
ડેટા લાયસંસિંગ હેઠળ કંપનીઓ કે ડેવલપર્સને માગે એ પ્રમાણેનો ડેટા અપાય છે. ટ્વિટરે તેમાંથી ૨૦૨૧માં ૭૬ કરોડ ડોલરની કમાણી કરી હતી. આમ છતાં એક સમયે ટ્વિટરે ખોટ કરી હતી. કંપની પાસે ૧૪૦૦ કરોડ ડોલરની એસેટ્સ હોવાથી મસ્કને તેમાં રસ પડી ગયો હોવાનું મનાય છે. ટ્વિટર સાથે મસ્કના સોદામાં એવી જોગવાઈ છે કે, મસ્ક અધવચ્ચે સોદો ફોક કરી નાંખે તો ૧ અબજ ડોલરની બ્રેક-અપ ફી તેણે ટ્વિટરને ચૂકવવી પડે. આ ફી ચૂકવવી નહીં પડે તે માટે મસ્ક ચાલાકી કરી રહ્યા છે. ભવિષ્યમાં સોદો થઈ શકે છે એવું ગાજર લટકાવીને મસ્ક બ્રેક-અપ ફી આપવામાંથી છટકબારી શોધી રહ્યા છે. જો કે સામે પક્ષે ટ્વિટર પણ મસ્કની વાતોમાં આવી જાય તેમ નથી. ટ્વિટરે સામે સ્પષ્ટ કર્યું છે કે, મસ્ક અધવચ્ચે સોદો રદ કરીને ફરી ગયા હોવાથી કંપની પાસે કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે. મસ્કે કરાર પ્રમાણે બ્રેક-અપ ફી આપવી જોઈએ. આ અંગે કેસ પણ અમે કરીશું.  મસ્કે ટ્વિટર ખરીદવામાં પીછેહઠ કરી તે ઘટના અણધારી નથી. કારણ કે, મસ્કે એપ્રિલમાં વિશ્વમાં સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાનું એલાન કર્યું ત્યારથી જ ફેક એકાઉન્ટ્સ અને સ્પામ બોટ્સ મુદ્દે ડખો તો ચાલતો જ હતો. ભારતમાં ફેક એકાઉન્ટ્સ એટલે લોકોએ પોતાની ઓળખ છૂપાવીને બનાવેલાં એકાઉન્ટ એવો અર્થ થાય છે. પરંતુ અમેરિકા સહિતના વિકસિત દેશોમાં કોમ્પ્યુટર કે રોબોટ્સ પણ એકાઉન્ટ હેન્ડલ કરે છે. આ એકાઉન્ટ્સને સ્પામ બોટની ગણતરીમાં લેવાય છે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સ્પામ બોટ મોટા પ્રમાણમાં હોય છે. ટ્વિટરે તો સત્તાવાર રીતે સ્પામ બોટ્સને મંજૂરી આપેલી છે. મોટી કંપનીઓ, રાજકીય પક્ષો, ધાર્મિક સંગઠનો વગેરે પોતાનો પ્રચાર કરવા, પોતાનો મત ફેલાય એ માટે આ પ્રકારનાં એકાઉન્ટ્સ બનાવે છે.
મસ્કને પહેલેથી આવાં સ્પામ બોટ્સ સામે વાંધો હતો. મસ્કે સોદો કર્યો ત્યારે તેમાં જોગવાઈ કરેલી કે, કંપનીના કુલ યુઝર્સમાંથી ૯૫ ટકા જેન્યુઈન એટલે કે જીવતા જાગતા માણસો હોવો જાઈએ અને ૫ ટકાથી પણ ઓછા સ્પામ બોટ હોવા જોઈએ. કંપનીએ તેની ખાતરી આપેલી અને એ દિશામાં કામ શરૂ કરી દીધું હોવાનું વચન પણ આપ્યું હતુ. આ બાબતથી સંતોષ માન્યા બાદ મસ્કે મે મહિનામાં ચેતવણી આપી હતી કે, ટ્વિટર સ્પામ બોટ નહીં ઘટાડે તો પોતે ખસી જશે. ગયા મહિને તણે ફરી ચીમકી આપી કે, ટ્વિટર ફેક અને સ્પામ એકાઉન્ટ અંગે અમે માંગેલો ડેટા નહીં આપે તો હું સોદામાં આગળ નહીં વધુ. મસ્કના આકરા વલણ બાદ ટ્વિટરે ગત અઠવાડિયે બે દિવસ પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે, અમે દરરોજ ૧૦ લાખ સ્પામ બોટ દૂર કરી રહ્યા છીએ અને તેનું પ્રમાણ કુલ યુઝર્સમાં ૫ ટકાથી પણ ઓછું છે. જો કે, ટ્વિટરની આ વાતથી મસ્કને સંતોષ ન થતાં તેમણે સોદો ફોક કરવાની જાહેરાત કરી દીધી.
હવે મસ્કના વિરોધીઓ કહે છે કે, સ્પામ બોટનું તો બહાનું છે, બાકી ટ્વિટર ખરીદવામાં મસ્કને રસ જ નહોતો. મસ્કને ટ્વિટરનો ઉપયોગ કરીને રોકડી કરવામાં રસ હતો અને એ ખેલ તેણે કરી નાંખ્યો એટલે ટ્વિટરમાં તેને રસ રહ્યો નથી. મસ્કે ટ્વિટરનો સોદો કર્યો પછી ટ્વિટરના શેરનો ભાવ વધીને ૫૨ ડોલર સુધી પહોંચી ગયા હતા. ભાવ ઉંચકાયા ત્યારે મસ્કે પોતાના તથા બીજા નામે લીધેલા શેર વેચીને જંગી કમાણી કરી લીધી. તેના કારણે શેરના ભાવ ઘટયા અને અત્યારે ૩૭ ડોલરની આસપાસ છે. મસ્કના કેટલાક વિરોધીઓ માને છે કે, મસ્ક ટ્વિટરને છોડશે તો નહીં જ. ટ્વિટરની તાકાત તેના સક્રિય યુઝર્સનો ક્લાસ છે. દુનિયામાં સૌથી પાવરફુલ મનાતા લોકો ટ્વિટર ઉપર સક્રિય છે. ટ્વિટરની મદદથી કોઈ પ્રોપેગેન્ડા બહુ સરળતાથી ચલાવી શકાતો હોવાથી દુનિયાના પાવરફુલ લોકો ટ્વિટરની આગળપાછળ ફરે છે. 
મસ્કને પાવરમાં રસ છે, પાવરફુલ લોકોને પોતાના તાબામાં રહે તેમ છે. ટ્વિટરની મદદથી તેની આ મહત્વાકાંક્ષા પુરી થાય તેમ છે. આથી આ સોદામાં આજે નહીં તો કાલે મસ્ક ફરી તેના વિચારો બદલશે. હાલ મસ્ક મૌન ધારણ કરીને બેઠા છે.