આલિયા ભટ્ટ આગામી ડિસેમ્બરમાં બાળકને જન્મ આપે તેવી સંભાવના

August 08, 2022

મુંબઈ: એકટ્રેસ આલિયા ભટ્ટ આગામી ડિસેમ્બર મહિનામાં બાળકને જન્મ આપી શકે છે. તેની સંભવિત ડિલિવરી ડેટ ડિસેમ્બર માસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન ગઈ તા. ૧૪મી એપ્રિલે થયાં હતાં. તે પછી ગયા જુન માસમાં તેણે પોતે પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી હતી. હવે તેનાં નિકટવર્તી વર્તુળોના જણાવ્યા અનુસાર આલિયાની સંભવિત ડિલિવરી ડેટ પણ આવી ચુકી છે. મોટાભાગે તે આગામી ડિસેમ્બર માસમાં બાળકને જન્મ આપશે. તેની ડિલિવરી માટે મુંબઈના ખારમાં આવેલી હોસ્પિટલમાં રુમ પણ બૂક કરી લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આલિયા પોતાના આરોગ્ય માટે બેહદ સાવધ છે અને તે સમયાંતરે કોવિડ ટેસ્ટ પણ કરાવી રહી છે. 
બીજી તરફ આલિયા અને રણબીર મુબઈ એરપોર્ટ પર સ્પોટ થયાં હતાં. તે પરથી બંને બેબીમૂન માટે રવાના થયાં હોવાનું કહેવાય છે. આલિયાની પ્રોડયૂસર તરીકેની પહેલી ફિલ્મ ડાર્લિંગ તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થઈ છે અને તેમાં આલિયાની એક્ટિંગની પણ પ્રશંસા થઈ છે. આલિયાની પ્રેગનન્સીના કારણે તે આગામી સપ્ટેમ્બર માસમાં રજૂ થનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન્સમાં બહુ મર્યાદિત રીતે જ ભાગ લે તેવી સંભાવના છે. તેની વધુ એક ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું છે અને આગામી વર્ષે તેની ડિલિવરીના કેટલાક મહિના બાદ શૂટિંગ આગળ ધપાવાશે.