15 વર્ષથી વધુ જુના તમામ સરકારી વાહનોને સ્ક્રેપ કરાશે: નીતિન ગડકરી

November 26, 2022

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે 15 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા તમામ સરકારી વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ભારત સરકારે તમામ રાજ્ય સરકારોને આ અંગેનો એક પરિપત્ર મોકલ્યો છે. જે અંતર્ગત બસ, ટ્રક અથવા કાર સહિતના તમામ પ્રકારના સરકારી વાહનો કે જે 15 વર્ષ કરતા વધુ જુના છે તેઓને સ્ક્રેપ કરવામાં આવશે.

નાગપુરમાં એગ્રોવિઝનની 2022ના ઉદઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જે નિર્ણય મુજબ ભારત સરકારના 15 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે તે તમામ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ભારત સરકારની આ નીતિ તમામ રાજ્યોને પણ મોકલવામાં આવી છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે વિહિકલ સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી હતી. ગડકરીએ અગાઉ કહ્યું હતું કે સરકાર દેશભરના દરેક જિલ્લામાં વાહન સ્ક્રેપિંગ કરવાની સુવિધાઓ સ્થાપિત કરશે.