ઉન્નાવ પીડિતાના પિતાની હત્યામાં સેંગર સહિત તમામને 10 વર્ષની કેદની સજા

March 14, 2020

કુલદીપ અને તેના ભાઈને પીડિતાના પરિવારને વળતર પેટે 30 દિવસમાં રૂ. 10-10 લાખ ચુકવવા આદેશ


નવી દિલ્હી- ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતાના પિતાની બિનઈરાદાપૂર્વકની હત્યા મામલે દોષી ઠેરવાયેલા ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત સાત દોષિતોને દિલ્હીની તીસ હજારી કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. 


દિલ્હીની તીસ હજારી કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતાના પિતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સહિત સાત આરોપીઓને 10 વર્ષની કેદની સજા સંભળાવી હતી તથા કુલદીપ અને તેના ભાઈને 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

કોર્ટના આદેશ પ્રમાણે કુલદીપ અને તેના ભાઈ અતુલ સિંહ સેંગરે પીડિતાના પરિવારજનોને કોઈ પણ પ્રકારની શરત વગર 10-10 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા પડશે. અગાઉ સજા મામલે સુનાવણી દરમિયાન સીબીઆઈ અને પીડિત પક્ષે દોષિતોને મહત્તમ સજા અપાવવા માંગણી કરી હતી. 
ઉલ્લેખનીય છે કે, મહત્તમ સજા અંતર્ગત આજીવન કેદની જોગવાઈ છે અને કોર્ટે આરોપીઓને માત્ર 10 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે અગાઉ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહને તેના પ્રાકૃતિક મૃત્યુ સુધી જેલમાં પૂરી રાખવાની સજા ફટકારેલી છે.

કેસની વિગતો પ્રમાણે સેંગરે પોલીસ કર્મચારીઓની મદદથી પીડિતાના પિતાને ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા કેસમાં ફસાવીને માર મરાવ્યો હતો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.