ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સેનાખાડી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસ્યા

July 06, 2022

સુરત  : હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. સુરતના ઓલપાડમાં વહેલી સવારે 4થી 6 બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ખાડીના પાણી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ ઘૂસી ગયા હતા.

ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે. ઓલપાડના કાંઠા વિસ્તાર ગણાતા દરિયા કાંઠા નજીક આવેલા ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી છલકાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ઓલપાડની પૂર્વ પટ્ટી ગણાતા વિસ્તારમાં વરસાદ પ્રમાણસર હોવાથી ત્યાં કોઈ અનિચ્છનિય સ્થિતિ સર્જાઈ નથી.

રાત્રિના 12 વાગ્યાથી વરસાદી ઝાપટા યથાવત રહ્યા છે.સુરતના રાંદેર ઝોનમાં સવારના આઠ વાગ્યા સુધીમાં 36 મિમિ વરસાદ વરસ્યો છે. ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. બીજી તરફ કાચા સોના સમાન વરસતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબતર થઈ ગયું છે. બીજી તરફ ખેડૂતો માટે ધીમી ધારે વરસતો વરસાદ આશિર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ધીમી ધારે વરસતું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જતું હોવાથી ખેડૂતોને ઉભા પાકને લઈને ઘણો ફાયદો થઈ રહ્યો છે.