કોરોનાના કેસ વધ્યા હોવા છતાં ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે : આઇસીસી

April 08, 2021

દુબઇ: ભારતમાં કોરોના વાઇરસના સતત કેસ વધી રહ્યા છે અને કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા એક લાખ કરતાં વધારે થઇ ચૂકી છે. ભારતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને સતત વધી રહેલા કેસની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન પડતું મૂકવામાં આવશે કે કેમ તેના સંદર્ભમાં આઇસીસીના ઇન્ટ્રિમ સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે આઇસીસી પાસે ભારતની યજમાનીમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની બેકઅપ યોજનાઓ તૈયાર છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા હોવા છતાં પણ ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે અને તેને અન્ય કોઇ દેશમાં ટ્રાન્સફર કરવાની કોઇ યોજના નથી.
આઇપીએલ ૨૦૨૧ ચેન્નઇ ખાતે શુક્રવારથી શરૂ થઇ રહી છે અને તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. એલાર્ડિસે જણાવ્યું હતું કે અમે ચોક્કસ યોજના અનુસાર આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે પ્લાન-બી પણ તૈયાર છે, પરંતુ તેને અમે અત્યારે એક્ટિવેટ કરવાના નથી. આ ઉપરાંત આઇસીસી તમામ અન્ય સ્પોર્ટ્સ બોર્ડ સાથે સતત સંપર્કમાં છે તેથી તેઓ કોરોનાની મહામારીમાં પોતાની ઇવેન્ટ્સ કેવી રીતે યોજે છે તે સમજી શકાય. એલાર્ડિસે જણાવ્યું હતું કે અમે આગામી બે મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું પણ આયોજન કરી રહ્યા છીએ જે અંગે પણ અમે યોજના અનુસાર આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે બેકઅપ તરીકે યુએઇને તૈયાર રાખ્યું છે જ્યાં ૨૦૨૦માં આઇપીએલ ટી૨૦ લીગનું સફળ રીતે આયોજન થયું હતું.