મહાનગરોમાં દબદબો છતાં ભાજપ માટે 'આપ'ની એન્ટ્રી ચિંતાજનક

April 06, 2021

ગુજરાતમાં મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ફતેહ મેળવી છે. ધારણા પ્રમાણે આ તમામ મહાનગરોમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થયો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને એવી પછડાટ ખાવી પડી છે કે, પાંચ શહેરોમાં તો તે વિપક્ષમાં બેસી શકે તેટલી બેઠકો પણ મેળવી શક્યું નથી. અનેક ઉમેદવારોએ ડીપોઝીટ પણ ગુમાવી દીધી છે. આ ઘટનાક્રમ સાથે સૌથી મહત્વની બાબત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીની રહી છે. ગત રવિવારે થયેલા મતદાનમાં બપોર સુધી તદન નિરસ વાતાવરણ રહ્યું હતુ. તેને કારણે શહેરોમાં મતદાન માંડ ચાલીસ ટકા થવાની ગણતરી હતી. જો કે, બપોર બાદ ભાજપ નેતાઓ અને કાર્યકરોએ પરસેવો પાડયો અને ટકાવારી સરેરાશ ૪૮ ટકા રહી. આ સમયે કોંગ્રેસીઓ હરખાતા હતા. કારણ કે ઓછુ મતદાન થાય તે સમયે ભાજપને નુકસાન થાય તેવી માન્યતા છે. કોંગ્રેસીઓ કહી રહ્યા હતા કે, ભાજપના કુશાસન અને ગેરવહીવટ સામે જનતા નારાજ છે. તેથી મતદાન કરવા માટે લોકો નીકળ્યા નથી.  જો કે, કોંગ્રેસીઓની આ ધારણાને પરિણામોએ ખોટી પાડી દીધી હતી. ગુજરાતમાં લોકોએ કોંગ્રેસની કોઈ વાત માની નહીં અને તેને તમામ મહાનગરોમાં ભૂંડો પરાજ્ય આપ્યો. ભાજપે તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી કબજે કરીને સાબિત કર્યું છે કે, શહેરી વિસ્તારો હજુય ભાજપનો ગઢ છે. કોંગ્રેસ આ વિસ્તારમાં ભાજપને હરાવી શકે તેમ નથી.
કોંગ્રેસ માટે શરમજનક વાત તો એ છે કે, છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પાંચ કોર્પોરેશનમાં તો કોંગ્રેસની બેઠકોની સંખ્યા બે આંકડે પણ નથી પહોંચી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૨ બેઠકો છે. જયાં કોંગ્રેસ બે આંકડે પહોંચી છે. જો કે આ આંકડો પણ બહુ હરખાવા જેવો નથી કેમ કે કુલ બેઠકોમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા વીસ ટકા પણ નથી. અમદાવાદમાં પણ ભાજપે બે તૃતિયાંશ કરતાં વધારે બેઠકો જીતીને કોંગ્રેસને સાવ સાફ કરી દીધી છે. કોંગ્રેસની સૌથી શરમજનક હાલત તો રાજકોટમાં થઈ છે. રાજકોટ કોર્પોરેશનની કુલ ૭૨ બેઠકો છે. તેમાંથી કોંગ્રેસે સમ ખાવા પૂરતી ચાર બેઠક જીતી છે. ગુજરાતમાં છેલ્લે ૨૦૧૫માં આ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે રાજકોટ જ એવું શહેર હતું કે જ્યાં કોંગ્રેસે ભાજપને ફીણ પડાવી દીધું હતુ. એક તબક્કે બંને પક્ષે ૩૪-૩૪ બેઠકો જીતી હતી. અને છેલ્લા વોર્ડનું પરિણામ વિજેતા નક્કી કરે એવી રસાકસી જામી હતી. ભાજપે છેલ્લો વોર્ડ જીતીને પોતાની બેઠકોનો આંકડો ૩૮ પર પહોંચાડયો હતા.  કોંગ્રેસે રાજકોટમાં જે લડત આપી તેના પર સૌ વારી ગયેલા પણ પાંચ વર્ષમાં જ કોંગ્રેસે લડયા વિના શરણાગતિ સ્વીકારવાની હાલતમાં આવી ગઈ છે.
આ સ્થિતિ એટલા માટે આવી છે કે, કોંગ્રેસે પાટીદારોને સાચવ્યા નથી. જો કે, કોંગ્રેસની ભૂંડી હાર થઈ તેનાથી કોઈને આશ્ચર્ય નથી. પરંતુ આમ આદમી પાર્ટી (આપ) અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ એ મુસ્લિમન (એઆઈએમઆઈએમ)એ કરેલા દેખાવે સૌને ચોક્કસ દંગ કરી દીધા છે.  'આપ' પહેલી વાર પૂરી તાકાતથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાનમાં હતા. અને પહેલા પ્રયત્ને 'આપ'એ સૌને પ્રભાવિત કર્યા છે.
'આપ'ની બેઠકોનો આંકડો એટલો મોટો નથી. ચાર કોર્પોરેશનમાં તો 'આપ'નું ખાતું પણ નથી ખૂલ્યું. પરંતુ આ બંને પક્ષે અમદાવાદ અને સુરતમાં સારો દેખાવ કર્યો છે. અમદાવાદમાં એઆઈએમઆઈએમએ સાત બેઠકો જીતી છે. જયારે 'આપ'એ તો સુરતમાં કોંગ્રેસને સાવ સાફ કરી નાંખી ૨૭ બેઠકો અંકે કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સરળતાથી જીત્યો છે પણ આ જીત ભાજપ ધારતો હતો એવી ભવ્ય નથી.  સુરત કોર્પોરેશનની ૧૨૦ બેઠકો છે તેમાંથી ૧૧૦ બેઠકો જીતવાની ભાજપ વાતો કરતો હતો. 'આપ' ક્યાંય ચિત્રમાં જ નથી એવું પણ ભાજપ કહેતો હતો. આમ છતાં 'આપ' સુરતમાં બીજા નંબરે આવ્યો છે. કેજરીવાલની પાર્ટીએ એક ઈનીંગમાં ધમાકેદાર બેટીંગ કરીને ૨૭ બેઠકો જીતી લીધી છે. 
હાલ ભાજપને સીધું નુકસાન થયું નથી. પણ 'આપ'નો દેખાવ ભાજપ માટે ચિંતાનો વિષય છે. કારણ કે, ભાજપના વરસોથી ગઢ મનાતા શહેરી વિસ્તારોમાં તેણે પ્રવેશ કર્યો છે. આ વિસ્તારોમાં મધ્યવર્ગના લોકો આમ આદમી પાર્ટી વિશે વિચારવા માંડયા છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારની વાતોની ચર્ચા હવે ગુજરાતના શહેરોમાં થવા માંડી છે. જો આજ ટ્રેન્ડ રહ્યો તો આવનારી ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો પડકાર આપનો બની રહેશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારનું શાસન આવ્યું પછી દિલ્હી શહેરની કેવી કાયાપલટ કરી દેવાઈ તેનો જોરદાર પ્રચાર 'આપ' કરે છે. આ પ્રચારથી દેશમાં ગ્રામીણ મતદારો બહુ પ્રભાવિત નથી પણ શહેરી મતદારો ચોક્કસ પ્રભાવિત થાય છે. ભાજપ શાસનમાં મધ્યમ વર્ગનો મરો થઈ ગયો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના અધધધ ખર્ચના કારણે તેની મુશ્કેલી વધી રહી છે. પેટ્રોલ અને મોંઘવારી જેવા મુદ્દા માથાનો દુખાવો જ છે. કોંગ્રેસને રાજ્યના શહેરીજનો વિકલ્પ માનતા નથી. પરંતુ આમ આદમી પાર્ટી તરફ ધીમે ધીમે વધી રહેલો ઝુકાવ આગામી દિવસોમાં ભાજપ માટે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે.
સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદારોના વિસ્તારોમાં 'આપ' જીત્યો છે તેથી તેમના સહારે 'આપ' સૌરાષ્ટ્રમાં આસાનીથી પહોંચી શકે છે. ગુજરાતમાં ૨૦૨૦માં વિધાનસભાની ચૂંટણી છે ને ત્યાં સુધીમાં શહેરીવિસ્તારોમાં આપ સુનિયોજિત ઢબે પ્રચાર કરે તો ભાજપની પરંપરાગત બેઠકોમાં ચોક્કસ ગાબડુ પડે તેમ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પાટીદારોના જોરે ભાજપને બીજે બધે હંફાવી દીધેલો અને એ વખતે સુરત ભાજપની પડખે રહ્યું હતુ.  જયારે ૨૦૨૨ની ચૂંટણીમાં સુરતમાં બે-ચાર બેઠકો પણ આપ આંચકી લે તો ભાજપને સત્તાથી દૂર થવું પડી શકે છે. જો કે ભાજપ હારમાંથી બોધપાઠ લેનારો પક્ષ છે તેથી પોણા બે વર્ષમાં એ કદાચ 'આપ'નો તોડ શોધીને નુકસાન ના થવા દે એવું બને. કોંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે, 'આપ' જ નહીં પણ ઓવૈસીની પાર્ટીએ પણ કોંગ્રેસની હાલત બગાડી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન છે અને આ વર્ચસ્વ જળવાયું છે પણ આ પરિણામોએ ગુજરાતમાં પરિવર્તનની શક્યતા છે તેનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. ભાજપને લોકો ખોબે ખોબે મત આપીને જીતાડે છે પણ ભાજપે આ છ શહેરોનો વિકાસ એવો નથી કરી નાંખ્યો કે જે જોઈને દંગ થઈ જવાય. આ કારણે લોકો પરિવર્તન ઈચ્છે છે. શહેરી લોકો કોંગ્રેસ પર ભરોસો કરતા નથી. પરંતુ દિલ્હીના કામો જોઈને જો આમ આદમી પાર્ટી પર ભરોસો મુકશે તો ભાજપની મુશ્કેલી ચોક્કસ જ વધે તેમ છે. બીજી તરફ ગુજરાતમાં  મોટાભાગનાં શહેરોમાં આટલાં વરસે પણ પીવાના પાણીના ધાંધિયા છે અને ગંદકીના ઢગ ખડકાયેલા છે. રોડ-રસ્તાનાં ઠેકાણાં નથી અને ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ જ જાય છે. કોર્પોરેશનમાં થતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. ભાજપ શાસકો ખુદ તેમાં સામેલ છે. પરંતુ વિકલ્પનો અભાવ તેને સત્તા જાળવી રાખવામાં મદદ કરતો રહ્યો છે.