અોમર અબ્દુલ્લા ૨૩૨ દિવસ નજરબંધી બાદ મુક્ત થયા

March 25, 2020

શ્રીનગરઃ ૨૩૨ દિવસ નજરબંધ રહ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ મંગળવારે મુક્ત થયા છે. ઓમર અબ્દુલ્લા ઉપર પીએસએ હેઠળ લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો. પોલીસે પીએસએ હેઠળ લગાવાયેલા આરોપ મંગળવારે પાછા ખેંચી લીધા હતા. એ બાદ ઓમર અબ્દુલ્લાની મુક્તિ માટેના આદેશ કરાયા હતા.ઓમરની બહેન સારા પાયલોટે પબ્લિક સેફ્ટી એક્ટ ૧૯૭૮ (પીએસએ) હેઠળ ભાઇની હિરાસતને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે જમ્મુકાશ્મીર પ્રશાસનને નિર્દેશ કર્યો હતો કે જો ઓમરને છોડી મૂકવાની વિચારણા હોય તો એમ જલદી કરવામાં આવે. જો તમે ઓમરને છોડી નહીં મૂકો તો સારાની અરજીની મેરિટ ઉપર સુનાવણી હાથ ધરાશે.   મુક્ત કરાયાના એક દિવસ બાદ ફરુક અબ્દુલ્લા દીકરા ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા. છેલ્લા સાત મહિનામાં પિતા અને પુત્રની આ પહેલી મુલાકાત હતી. બંને લગભગ એક કલાક સુધી સાથે રહ્યા હતા. ફરુકની સાથે અબ્દુલ્લાહ પરિવારના અન્ય સભ્યો પણ ઓમરને મળ્યા હતા. પીડીપીના નેતા મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓ હજુ નજરબંધ છે. એ પહેલાં નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફરુક અબ્દુલ્લા ૧૩ માર્ચે નજરબંધીમાંથી મુક્ત થયા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, એ જાણીને આનંદ થયો છે કે ઓમર અબ્દુલ્લાની ગેરબંધારણીય અને અલોકતાંત્રિક નજરબંધીને રદ કરાઇ. હવે કેન્દ્રે જમ્મુ કાશ્મીરના લોકોના લોકતાંત્રિક અને બંધારણીય અધિકારોનું પુનઃસ્થાપન કરાય.