સિમેન્ટ સેક્ટરમાં પણ અંબાણી બનશે નંબર વનઃ અંબુજા સિમેન્ટનો શેર રેકોર્ડ લેવલે પહોંચ્યો

September 19, 2022

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ હોલ્સિમ સિમેન્ટ પાસેથી અંબુજા સિમેન્ટની ખરીદી કર્યા પછી સિમેન્ટ સેક્ટરમાં નંબર વન બનવાની યોજના જાહેર કરી છે. તેના માટે તેઓ અંબુજા સિમેન્ટમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને હાલની નંબર વન કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ ને પછાડવા માંગે છે.

અંબુજામાં અદાણીની રોકાણ યોજનાના સમાચાર જાહેર થતા જ આજે સ્ટોકમાં ભડકો આવ્યો અને અંબુજા સિમેન્ટનો શેર તેની રેકોર્ડ હાઈ સપાટી 568 રુપિયા પર પહોંચી ગયો હતો. આ લખાય છે ત્યારે શેર 9.80 ટકાથી વધારે વધીને લગભગ રૂ. 567 પર ચાલતો હતો.

અંબુજા સિમેન્ટનો શેર આજે તેની બાવન સપ્તાહની ટોચ રૂ. 568 પર હતો જ્યારે આ શેરની બાવન અઠવાડિયાની નીચી સપાટી રૂ. 274 છે. અદાણીએ અંબુજામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવાની જાહેરાત કરી તેને શેરબજારે પોઝિટિવ રીતે લીધું છે. તેઓ હવે અલ્ટ્રાટેકને પાછળ રાખીને નંબર વનનું સ્થાન મેળવવા માંગે છે.

અલ્ટ્રાટેકનો શેર આજે બે ટકાથી વધારે ઘટ્યો હતો. જ્યારે જે કે લક્ષ્મી સિમેન્ટનો શેર 3.4 ટકા અને ACCનો શેર 2.78 ટકા વધ્યો હતો. આ લખાય છે ત્યારે ACCનો શેર 40 રૂપિયા અથવા 1.54 ટકા વધીને રૂ. 2655 પર ચાલતો હતો. Ultratech Cement 0.60 ટકા ઘટીને 6443 પર હતો. આજે અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટીને 6245 સુધી જઈ આવ્યો હતો.