કમ્યુનિકેશન સાધનો વેચીને અમેરિકાએ 25 વર્ષ સુધી ભારત ની જાસૂસી કરી!

February 13, 2020

વૉશિંગ્ટન : અમેરિકા દ્વારા દુનિયાના અનેક દેશોની જાસૂસી થતી રહે છે, એ વાત વધુ એક વખત સાબિત થઈ છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) દ્વારા લગલગાટ ૨૫ વર્ષ સુધી ભારત અને દુનિયાના બીજા અનેક દેશોની જાસૂસી થઈ હોવાનો અહેવાલ અમેરિકી અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટે ' અને જર્મન ટેલિવિઝન ચેનલ 'ઝેડડીએફ' દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયો છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભારત આવવાની તૈયારી કરી રહ્યાં છે, એ દરમિયાન આ અહેવાલ આવતા બન્ને દેશના ડિપ્લોમેટ્સ શું જવાબ આપવો અને શું ખુલાસો કરવો એ વાતે મૂંઝવણમાં મુકાયા છે.

અમેરિકાની સીઆઈએ અને જર્મનીની બીએનડીના ટૂંકા નામે ઓળખાતી 'ફેડરલ ઇન્ટેલિજન્સ સર્વિસે' સંયુક્ત રીતે ૧૯૯૩માં 'ક્રિપ્ટો એજી' નામની કંપની પોતાના કબજામાં લીધી હતી. મૂળ કંપની તો છેક ૧૯૬૦માં એક રશિયન નાગરિકે સ્થાપી હતી, જેના પર બાદમાં અમેરિકા-જર્મને કબજો લઈ લીધો હતો. પરંતુ કબજા પાછળ બન્ને દેશની જાસૂસી સંસ્થાઓ છે એ વાત અત્યાર સુધી ગુપ્ત રહી હતી. ક્રિપ્ટો એજીનું કામ કમ્યુનિકેશન સિક્યુરિટીના સાધનો અને સર્વિસ પુરી પાડવાનું હતું. આ કંપની ૨૦૧૮માં વિખેરી નંખાઈ હતી.