અમેરિકાઃ માતાએ નવજાત બાળકને પારણાની જગ્યાએ ઓવનમાં સુવડાવી દેતા મોત

February 11, 2024

વોશિંગ્ટન- અમેરિકાના મિસોરી રાજ્યના કાન્સાસ શહેરમાં હૈયુ હચમચી જાય તેવો કિસ્સો બન્યો છે. જેમાં માતાની ભૂલની કિંમત નવજાત બાળકે પોતાનો જીવ આપીને ચુકવી છે. માતાએ ભૂલથી બાળકને પારણામાં સુવડાવવાની જગ્યાએ ઓવનમાં સુવડાવી દીધો હતો અને તેનુ મોત થયુ હતુ. વધારે ચોંકાવનારી વાત એ છે કે, બાળકને સુવડાવ્યો ત્યારે ઓવન ચાલુ હતુ અને બાળક ઓવનમાં દાઝી ગયો હતો. માતાએ આ હરકત જાણી જોઈને કરી છે કે તેનાથી ભૂલ થઈ છે તેની તપાસ પોલીસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાન્સાસ શહેરમાં રહેતી મારિયા થોમસ પર પોતાના જ બાળકને મારી નાંખવાનો આરોપ લાગ્યો છે. શુક્રવારે પોલીસને જાણકારી મળી હતી કે, મારિયા નામની મહિલાના બાળકનુ ઓવનમાં દાઝીને મોત થઈ ગયુ હતુ. પોલીસે તપાસ શરુ કરતા મહિલાએ કહ્યુ હતુ કે, રાત્રે હું બાળખને દૂધ પિવડાવ્યા બાદ પારણામાં સુવાડવા માંગતી હતી પણ મને ખબર નથી કે મેં કેવી રીતે બાળકે પારણાની જગ્યાએ ઓવનમા મુકી દીધુ હતુ.


મહિલાએ પોલીસને કહ્યુ હતુ કે, જ્યારે મારી ઉંઘ ઉડી ત્યારે મને ખબર પડી હતી કે, મેં ભૂલથી બાળકને ઓવનમાં સુવડાવી દીધુ હતુ. મેં ઓવન ખોલ્યુ ત્યારે બાળક તેમાં દાઝી ચુકયુ હતુ. હું તેને હોસ્પિટલ લઈ ગઈ હતી પણ ત્યાં સુધીમાં તો બાળકનુ મોત થઈ ગયુ હતુ. પોલીસે જ્યારે તેને પૂછ્યુ કે આવી ભૂલ કેવી રીતે કરી...ત્યારે મારિયાએ કહ્યુ હતુ કે, મને નથી ખબર કે , મારાથી આવુ કેમ થયુ...પોલીસને મારિયાના નિવેદનથી સંતોષ નહોતો થયો. કોર્ટ સમક્ષ પણ મહિલાએ આવુ જ નિવેદન આપ્યુ હતુ. પોલીસ દ્વારા મહિલાનુ મેડિકલ ચેક અપ કરાવાયુ છે.તેનો ફોન કબ્જે કરીને તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો માની નથી શકતા કે કોઈ મહિલાથી આ પ્રકારની ભૂલ થાય. સરકારી વકીલનુ કહેવુ છે કે, કોઈનુ પણ દિમાગ હચમચી જાય તેવી ઘટના છે. માતાની બેદરકારીથી એક બાળકનો જીવ ગયો છે. આ મામલાની તપાસની જરુર છે.