અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ચીને બીજા વિમાનવાહક જહાજનું પરિક્ષણ શરૃ કર્યુ

May 31, 2020

બેઇજિંગ : કોરોના મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ચીને પોતાના બીજા એરક્રાફટ કેરિયર(વિમાનવાહક જહાજ)એ સમુદ્રમાં પરિક્ષણ કરવાનું શરૃ કરી દીધું છે તેમ ચીનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ વિમાનવાહક જહાજ ચીનનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે.

શાન્દોંગ નામનું આ જહાજ વાર્ષિક યોજના મુજબ સમુદ્ર પરિક્ષણ કરી રહ્યું છે તેમ ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રેન ગુઓકિઆંગે એક નિવેદનમાં જણાવ્યું છે. જહાજની ક્ષમતા ચકાસવા માટે આ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. સત્તાવાર જાહેરાત અનુસાર આ વિમાન વાહક જહાજની વહન ક્ષમતા ૪૦,૦૦૦ થી ૬૦,૦૦૦ ટન છે. આ ઉપરાંત આ જહાજમાં ૩૬ યુદ્ધ વિમાન તૈનાત કરી શકાય છે.

શાન્દોંગના એક્ઝિકયૂટીવ અધિકારી લિ યોન્ગશુઆને એક નિવેદનમાં જણાવ્યું છે કે એરક્રાફટ કેરિયરમાં સવાર થનારા સૈનિકોને પણ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. અમે આ જહાજને શ્રેષ્ઠ બનાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે શાન્દોંગ વિમાન વાહક જહાજને ૧૭ ડિસેમ્બરના રોજ પીપલ્સ લિબરેશન આર્મી નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જહાજને મેઇનટેનન્સ માટે દાલિયાન શિપયાર્ડમાં મોકલી દેવામાં આવ્યું હતું.

ચીન પાસે અત્યાર સુધી એક જ વિમાન વાહક જહાજ હતું. જેને ૨૦૧૨માં સામેલ કરવામાં આવ્યું હતું. આ જહાજનો મોટે ભાગે તાલીમ માટે ઉપયોગ કરવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન હવે ત્રીજા વિમાન વાહક જહાજનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આ વિમાન વાહક જહાજ શાન્દોૅગ કરતા પણ મોટું હશે અને તે ૮૦,૦૦૦ ટન વજન વહન કરી શકશે.

મીડિયાના અહેવાલ અનુસાર ચીન આગામી વર્ષોમાં પોતાની સેનામાં પાંચથી છ વિમાન વાહક જહાજ પોતાની સેનામાં સામેલ કરવા માગે છે.