ઈટાલીના રોમમાં ફસાયેલા ભારતીયોને લાવવા રવાના થયું એર ઈન્ડિયાનું વિમાન

March 21, 2020

નવી દિલ્હી, : કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત ઈટાલીમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એર ઈન્ડિયાના એક ખાસ વિમાને શનિવારે દિલ્હીથી રોમ માટે ઉડાન ભરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રોમથી 262 ભારતીયોને લાવવામાં આવશે, જેમાં વધારે વિદ્યાર્થીઓ છે.

રોમમાં ફસાયેલા ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું આ વિમાન રવિવારે ભારતમાં લેન્ડ કરશે. આ વિમાને શનિવારે બપોરે અઢી વાગે ઉડાન ભરવાનું હતું પરંતુ ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શક્યું નહી. જો કે થોડાં કલાકો બાદ વિમાને ઉડાન ભરી.

આ સમયે યુરોપમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ઈટાલીમાં જ અત્યાર સુધીમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે એટલે કે ચીનથી પણ વધારે. ઈટાલીમાં અત્યાર સુધી 47 હજારથી વધારે લોકોમાં કોરોવા વાઈરસનું સંક્રમણ કન્ફર્મ થયું છે.

છેલ્લા થોડા અઠવાડિયાથી ભારતે કોરોના વાઈરસના લીધે તમામ દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને એરલિફ્ટ કર્યાં છે. આ પહેલા પણ ઈટાલીના મિલાન શહેરથી ભારતે પોતાના નાગરિકોને સુરક્ષિત એરલિફ્ટ કર્યાં છે. 15 માર્ચે ભારતે ઈરાન અને ઈટાલીથી પોતાના 450 નાગરિકોને સુરક્ષિતક એરલિફ્ટ કર્યાં હતા.