ઇઝરાયેલમાં નેતાન્યાહુને સરકાર રચવા માટે આમંત્રણ

April 07, 2021

યેરૂસલેમ : ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ સરકાર રચવા માટે વડાપ્રધાન નેતાન્યાહુને આમંત્રણ આપ્યું છે. આમ નેતાન્યાહુએ છ સપ્તાહમાં સરકાર રચવાનું મુશ્કેલ કામ પાર પાડવાનું છે. તેમની પાસે વિભાજીત જનાદેશ છે. એકબાજુએ તેઓ ઇઝરાયેલના અત્યાર સુધી સૌથી લાંબો સમય રહેનારા વડાપ્રધાન છે તો બીજી બાજુએ તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.  રાષ્ટ્રપતિ રિવલિને આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈપણ પક્ષના નેતાને 120 બેઠકોવાળી સંસદમાં બહુમતી સાથે જોડાણવાદી સરકાર રચવાનું પૂરતુ સમર્થન નથી. તેમણે તે વાતની પણ નોંધ લીધી કે કાયદાકીય મુશ્કેલીઓને લઈને નેતાન્યાહુ કદાચ દેશની સેવા ન કરી શકે તેમ ઘણા લોકો માને છે. તેમણે જણાવ્યું હતું કે કાયદામાં એવું કશું નથી જે મુજબ નેતાન્યાહુને દેશની સેવા કરતા રોકી શકાય. 
તેમણે નવી ચૂંટાયેલી સંસદના 13 પક્ષો સાથે સલાહમસલત કરી છે. તે માને છે કે બીજા કોઈપણ નેતા કરતા નેતાન્યાહુ પાસે સરકાર રચવાની શ્રેષ્ઠ તક છે. રિવલિને જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવાર પાસે સરકાર રચવાની વાસ્તવિક તક નથી. પરંતુ બીજા કોઈપણ ઉમેદવારની તુલનાએ નેતાન્યાહુ પાસે વધારે તક છે. નેતાન્યાહુ પાસે હવે સરકાર રચવા માટે છ સપ્તાહનો સમય છે. તેની સાથે તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે. રિવલિનના આ નિર્ણયના લીધે ઇઝરાયેલમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા નેતાન્યાહુને તેમની કારકિર્દી બચાવવાની વધુ એક તક મળી છે. નેતાન્યાહુ પાસે હાલમાં પૂરતું સમર્થન નથી. આમ છતાં પણ રિવલિન માને છે કે તેમના સિવાય સરકાર રચવી બીજા કોઈના માટે શક્ય નથી.