ઈડીના એક્શનથી કોંગ્રેસમાં રોષ, કહ્યું- વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

August 03, 2022

દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા યંગ ઈન્ડિયા લિમિટેડનું કાર્યાલય સીલ કરી દીધુ છે. આ સિવાય કોંગ્રેસ મુખ્યાલય અને રાહુલ ગાંધીના આવાસ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈડીના એક્શનને લઈને પહેલાથી આક્રોશિત કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા મુખ્યાલય પહોંચ્યા અને બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર હુમલો કર્યો છે. મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, અભિષેક મનુ સિંઘવી અને પી ચિદમ્બરમ અને જયરામ રમેશ કોંગ્રસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. 

કોંગ્રેસે કહ્યું કે પોલીસના પહેરાથી સત્યનો અવાજ દબાશે નહીં. મોંઘવારી અને બેરોજગારી પર સવાલ પૂછવામાં આવશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયની સાથે રાહુલ અને સોનિયા ગાંધીના ઘરને ઘેરી લીધા છે અને તેને છાવણીમાં ફેરવી દીધા છે. તેમણે કહ્યું, અમે ડરીશું નહીં. 

પ્રદર્શન કરવાથી રોકવામાં આવ્યાઃ અજય માકન
અજય માકને કહ્યુ, શનિવારે એઆઈસીસી તરફથી એક સર્કુલર જારી કરવામાં આવ્યું હતું કે 5 ઓગસ્ટે મોંઘવારી અને બેરોજગારીને લઈને દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ નેતા પ્રધાનમંત્રી આવાસથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે. આજે અમને ડીસીપી તરફથી લેટર આવ્યો કે તમે 5 તારીખે કોઈ પ્રદર્શન કરી શકો નહીં. 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, આ બદલાની રાજનીતિ છે. એક પ્રાચીન કહેવત છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. મોંઘવારી, બેરોજગારીને જોતા આ વિનાશકાળ છે. બે સપ્તાહ સુધી મોદી સરકાર ચર્ચાથી ભાગતી રહી. હવે અમારા પ્રદર્શનને રોકવા માટે આજથી શરૂઆત કરી દેવામાં આવી છે.