ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

December 06, 2022

નવી દિલ્હી: ઈંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને નવો ઈતિહાસ રચી નાંખ્યો છે. 22 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી છે. 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરીઝ રમી રહી છે.  ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 74 રને જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડની આ જીતમાં 40 વર્ષીય બોલર જેમ્સ એન્ડરસને નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, એન્ડરસને છેલ્લા દિવસે શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને બીજી ઇનિંગમાં ઓલઆઉટ કરવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો છે. એન્ડરસને પાકિસ્તાનની બીજી ઇનિંગમાં 24 ઓવરમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસન દુનિયાના એકમાત્ર ફાસ્ટ બોલર છે, જેના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. પ્રથમ અને બીજા નંબર પર સ્પિનરો છે. આ સાથે જ કુંબલે પણ સ્પિનર હતા.
આ રેકોર્ડની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનિલ કુંબલેએ પોતાની કારકિર્દીમાં 956 વિકેટ લીધી હતી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ડરસનના નામે કુલ 959 વિકેટ નોંધાઈ ગઈ છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે. મુરલીધરને 1347 વિકેટો મેળવી છે. શેન વોર્નના નામે 1001 વિકેટ છે, જે આ યાદીમાં બીજા ક્રમે છે. હવે એન્ડરસન પાસે મહાન સ્પિનર વોર્નનો રેકોર્ડ તોડવાની તક છે. જો એન્ડરસન અત્યારે નિવૃત્તિ વિશે વિચારે નહીં તો, આવનારા સમયમાં તે ચોક્કસપણે 1000 આંતરરાષ્ટ્રીય વિકેટો મેળવી લેશે અને વોર્નનો રેકોર્ડ પણ તોડી નાખશે.