વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી બહાર, એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઝોન અન્ય રાજ્યમાં ગયો

November 12, 2022

દિલ્હી- મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ એક બાદ એક નવા પ્રોજેક્ટ રાજ્ય બહાર જઈ રહ્યાં છે. કેન્દ્ર તરફથી એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઝોનનો પ્રોજેકટ મેળવવા માટે 8 રાજ્યોની રેસમાંથી મહારાષ્ટ્ર હટી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટ હવે મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશ સરકારને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે. બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, ટાટા એરબસ પ્રોજેક્ટ બાદ  ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ મહારાષ્ટ્રના હાથમાંથી પણ નીકળી ગયો છે. શિંદે –ફડણવીસ સરકારે આ વાતનો ખુલાસો કરતા જુની મહા વિકાસ આઘાડી સરકારને જવાબદાર ઠેરવીને હાથ ખંખેર્યા છે.
વેદાંત-ફોક્સકોન, ટાટા - એરબસ પ્રોજેક્ટ ગુજરાત જતા શિંદે-ફડવણીસ સરકારની ટીકા થઇ રહી છે. બલ્ક ડ્રગ પાર્ક રાજ્ય બહાર થતા વિપક્ષે ઘેર્યું હતું. આ દરમિયાન એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઝોનને હાંસલ કરવા માટે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) પણ પ્રયત્ન કરી રહ્યું હતુ. 


મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણા જેવા આઠ રાજ્યો આ પ્રોજેક્ટ માટે પ્રયત્ન કરી રહ્યાં હતા. MIDCએ મહારાષ્ટ્ર તરફથી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે એક એજન્સી દ્વારા આ આઠ રાજ્યોની દરખાસ્તોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં મધ્યપ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમના નિગમના પ્રસ્તાવને સૌથી વધુ ગુણ આપવામાં આવ્યા હતા. 


એજન્સી અનુસાર મધ્ય પ્રદેશના પ્રસ્તાવને કેંન્દ્ર સરકારની પરિયોજના સંચાલન સમિતિએ 22 ઓક્ટોબર, 2022એ મંજુરી આપી અને કેન્દ્ર સરકારે 2 નવેમ્બર 2022ના રોજ મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને પરિયોજના સ્વીકૃતિ પત્ર પણ આપવામાં આવ્યો હતો.