લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક કહાની

July 25, 2022

  • કૌભાંડી લલિત મોદીએ સુષ્મિતા સાથેની જાહેર કરેલી તસ્વીરોએ જગાડી ચર્ચા
  • આઈપીએલના પ્રણેતા લલિત બે સંતાનોનો પિતા અને રંગીનમિજાજી છે, જયારે મિસ સુસ્મિતા સેનના ભૂતપૂર્વ પ્રેમીઓની યાદી ઘણાં જ લાંબી છે, એટલે હવે લલિત સાથેના સંબધો કેટલું ટકશે તેવા સવાલો ઉઠવા માંડ્યા છે
ભારતમાં આજકાલ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તથા ઈન્ડિયન પ્રીમિયર લીગના પહેલા કમિશ્નર લલિત મોદીના અફેરની વાત જોરશોરથી ચર્ચામાં છે. ભારતીય કે ભારત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે લલિત અને સુષ્મિતાના નામ અજાણ નથી. આથી તેઓની લવ સ્ટોરી ક્યારથી ચાલે છે, વાત ક્યાં સુધી પહોંચી છે અને હવે આ પ્રેમપ્રકરણમાં શું થવાનું છે તે જાણવામાં સૌને રસ પડ્યો છે.
ભારતમાં આઈપીએલને આયોજન સુધી સફળતાપૂર્વક અંજામ આપનાર લલિત મોદીને ભારતે ભાગેડું જાહેર કર્યો છે. કરોડોનું કૌભાંડ કરીને લલિત ઘણાં વર્ષોથી વિદેશમાં ફરતો રહ્યો છે. લલિત ભારતમાંથી ભાગી ગયો ત્યારે ભાજપના નેતા વસુંધરા રાજે અને નેતા સુષ્મા સ્વરાજે પણ મદદ કરી હતી. સુષ્મા મોદી સરકારમાં વિદેશ મંત્રી હતાં તેથી પોતાની વગ વાપરીને લલિતને પોર્ટુગલ જવા માટે ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવામાં મદદ કરી હતી. આ વાત બહાર આવતાં સુષ્મા સ્વરાજ પણ બચાવની ભૂમિકામાં આવી ગયા હતા. સુષ્માના દાવા પ્રમાણે મોદીના પત્નીને કેન્સર હોવાથી પોર્ટુગલમાં ઓપરેશન થવાનું હતું. મોદીએ ઓપરેશન વખતે સંમતિપત્ર ઉપર સહીં કરવા માટે પોતાની જરૂર છે, એટલે ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી. લલિતની આ સ્થિતિ પર દયા ખાઈને ટ્રાવેલ ડોક્યુમેન્ટ અપાવવાનીમ મદદ કરી હોવાનું એવું સુષ્માએ નફ્ફટાઈથી કબૂલ્યું હતું. 
હકીકતમાં સુષ્મા લલિત પર રીઝયાં તેનું કારણ એ હતું કે, સુષ્માની દીકરી બાંસુરી લલિત મોદીનો કેસ લડતાં હતાં. લલિતે સુષ્માના ભત્રીજા જ્યોતિર્મયને યુ.કે.ની સસેક્સ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવામાં પણ મદદ કરી હતી.
હવે દશેક દિવસથી તે જ લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયામાં સુષ્મિતા સાથે માલદીવ્સમાં પોતે જલસા કરતો હોય તેવા ફોટો વાયરલ કરીને ચર્ચા જગાડી છે. લલિત મોદીએ આ સાથે જ બંનેના સંબંધો જાહેરાત કરી હતી. લલિતે સુષ્મિતાનો ઉલ્લેખ પોતાની બેટરહાફ એટલે કે અર્ધાંગિની તરીકે કર્યો હતો તેથી તે બંને પરણી ગયાં છે તેવું તારણ લોકોએ કાઢ્યું હતુ. જો કે, તે પછી બે જ દિવસમાં લલિત મોદીએ સ્પષ્ટતા કરી કે, હમણાં અમે એકબીજાને ડેટ કરીએ છીએ અને બહુ જલદી લગ્ન પણ કરવાના છીએ. લલિતની આ ચોખવટ પછી સુષ્મિતાએ મૂકેલી એક તસવીરમાં સુષ્મિતાના હાથમાં વીંટી દેખાતા બંનેએ સગાઈ કરી લીધી હોવાની વાતો વહેતી થઈ.
હવે લલિત મોદી જેવા કૌભાંડી અને છાપેલા કાટલા જેવા માણસના પ્રેમમાં સુષ્મિતા જેવી રૂપકડી યુવતી કઈ રીતે પડી ગઈ એ સવાલ સૌને સતાવી રહ્યો છે. આ સવાલના મૂળમાં લલિત મોદીના ધંધા અને કબાડેબાજીનો ઈતિહાસ છે. આઈપીએલમાં કરેલા ગોરખધંધાના કારણે હાલમાં તેને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. લલિત મોદીની ઈમેજ રંગીલા માણસ તરીકેની છે. ઉદ્યોગપતિ કૃષ્ણકુમાર મોદીના પુત્ર લલિત અમેરિકામાં ભણતા હતા ત્યારે ડ્રગ્સના કેસમા પકડાયા હતા. લલિત હાલમાં વિધુર છે અને ત્રણ સંતાનોના પિતા છે. લલિતના લગ્નની દાસ્તાન પણ બહુ રસપ્રદ છે. લલિતને મમ્મીની મિત્ર મિનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. મોદી વિદેશમાં ભણતા હતા ત્યારે ૯ વર્ષ મોટી મિનલના પ્રેમમાં પડ્યા, જો કે, આ સંબંધ કોઈ અંજામ સુધી પહોંચે તે પહેલાં મિનલ નાઇજીરિયાના બિઝનેસમેન જેક સાગરાની સાથે લગ્ન કરીને ચાલી ગઈ. થોડાં વરસો પછી તેના ડિવોર્સ થયા ત્યારે લલિતે ૧૯૯૧માં મિનલ સાથે લગ્ન કર્યા. જે બાદ તેમને રૂચિર અને આલિયા એમ બે સંતાન થયા. જ્યારે મિનલની પહેલા લગ્નથી થયેલી દીકરી કરીમાને પણ લલિત મોદીએ પોતાની સંપત્તિમાં હિસ્સેદાર બનાવી છે. મિનલનું ૨૦૧૮માં અવસાન થયું હતું.
લલિતે ૨૦૧૮માં આઈપીએલ શરૂ કરાવી ત્યારે ભારે જલસા કરેલા. આઈપીએલની દરેક મેચ પછી પાર્ટી થતી. આ પાર્ટીઓમાં હોટ વિદેશી મોડલ્સ, એક્ટ્રેસીસ અને ચિયર ગર્લ્સથી લલિત વિંટલાયેલા રહેતા. એ વખતે વિજય માલ્યાની સાવકી દીકરી લૈલા મહમૂદ મોદીની પર્સનલ આસિસ્ટન્ટ હતી. લલિતના લૈલા સાથેના ગાઢ સંબંધો ચર્ચામાં હતા. લલિત રંગીલો માણસ છે તો સુષ્મિતાને પણ કોઈ વાતે ઓછી આંકી શકાય તેમ નથી. સુસ્મિતા સેનના પણ અનેક અફેર હોવાની વાતો સમયાંતરે ચર્ચામાં રહી છે. સુષ્મિતા પોતાનાથી નાના-મોટા દરેક કેટેગરીના પુરૂષો સાથે અફેર કરી ચૂકી છે, તેથી લલિત સાથેનું તેનું અફેર એટલું ચોંકાવનારું કે આઘાતજનક નથી.
૧૯૯૫માં મિસ યુનિવર્સ બન્યા પછી સુષ્મિતા સૌથી પહેલાં ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી હતી. બંને ‘દસ્તક’ ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યાં અને એકબીજાના પ્રેમમાં મસ્ત થઈ ગયાં હતાં. વિક્રમ પરિણીત હોવા છતાં સુષ્મિતાને તેનો વાંધો નહોતો. ફિલ્મ રીલીઝ થઈ તેના થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 
રણદીપ હુડા સુષ્મિતાનો બીજો પ્રેમી હતો. હરિયાણવી જાટ રણદીપ એક્ટર તરીકે બહુ ચાલ્યો નથી પણ હેન્ડસમ હોવાથી સુષ્મિતાને ગમી ગયો હતો. બંને પાર્ટીઓમાં સતત સાથે જોવા મળતાં. જો કે, તેઓ વચ્ચેનો સંબંધ બહુ લાંબો ટક્યો ન હતો. સુષ્મિતાએ તે પછી બે બિઝનેસમેન સાથે અફેર કર્યાની વાતો પણ જગજાહેર છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલને સુષ્મિતા સાથે અફેર હોવાનું કહેવાતું હતું. પરંતુ બંને કદી જાહેરમાં દેખાયા ન હતા. ત્યારબાદ હોટલ ટાયકૂન સંજય નારંગ સાથે સુષ્મિતાનું લાંબા સમય સુધી અફેર ચાલ્યું હતું. સુષ્મિતા કરતાં ૮ વર્ષ મોટા સંજયે સોશિયલ મીડિયામાં તસવીરો મૂકીને બંનેના સંબંધોની જાહેરાત કરી, આ બંને લગ્ન કરવાનાં હતાં પણ અચાનક મામલો ફસાઈ ગયો. સુષ્મિતા ૨૦૧૦ની આસપાસ ડિરેક્ટર મુદસ્સર અઝીઝના પ્રેમમાં પણ હતી. મુદસ્સરની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ના શૂટિંગ વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. થોડો સમય બંનેનું અફેર ચાલ્યું પણ મુદસ્સરના પરિવારે તેનો વિરોધ કર્યો અને બંનેના સંબંધોનો અંત આવ્યો.
સુષ્મિતાના પ્રમસંબધના પ્રકરણમાં 2૦૧૩માં પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમનું નામ પણ ઉમેરાયુ. જે બાદ સુષ્મિતા અને મુંબઈના રેસ્ટોરાં માલિક રીતિક ભસીન વચ્ચે પ્રેમસંબધો બંધાયા. જો કે, ત્રણેક વર્ષના અફેર પછી ૨૦૧૭માં બ્રેકઅપ થઈ ગયું. થોડા સમય પહેલાં ડ્રગ્સ કેસમાં જેનું નામ ગાજેલું એ ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રી પણ સુષ્મિતાના પ્રેમીની યાદીમાં છે. ઈમ્તિયાઝ તેના કરતા 14 વર્ષ નાનો હતો.
આ મામલો હજી આગળ વધ્યો નહીં ત્યાં તો સુષ્મિતા તેના કરતા ૧૫ વર્ષ નાના રોહમન શોલના પ્રેમમાં પડી. જે બાદ બંને સાથે લિવ-ઈનમાં રહેતાં હતાં. લગભગ ત્રણ વર્ષના સંબધો પછી ગયા મહિને જ બંને અલગ થયા. સુષ્મિતાના મેનેજર તરીકે વર્ષો સુધી બંટી સચદેવ કામ કરતો રહ્યો છે. આ બે વચ્ચે પણ અફેર હોવાની વાતો પણ બહુ ચાલી છે.   બંને મોડી રાત્રે રેસ્ટોરાંમાં હાથમા હાથ નાંખીને બેઠાં હોય કે પ્રેમાલાપ કરતાં હોય એવી તસવીરો કયારેક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂકી છે. ટૂંકમાં લલિત-સુષ્મિતાના અફેરથી આઘાત પામવા જેવું કશું નથી. પરંતુ સુષ્મિતા અને લલિતના આ સંબંધો કેટલો સમય રહેશે તે પ્રશ્ન ચોક્કસ જ કરી શકાય તેમ છે.