CAAથી દેશના કોઈપણ મુસલમાનને તકલીફ નહીં પડેઃ RSS વડા મોહન ભાગવત

July 21, 2021

ગુવહાટી ઃ RSSના વડા મોહન ભાગવતે CAA અને NRCને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલ મોહન ભાગવત આસામના પ્રવાસે છે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ અને નેશનલ રજિસ્ટ ઓફ સિટિઝનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, તેને રાજનૈતિક ફાયદા માટે સાંપ્રદાયિકતાનું રૂપ આપવામાં આવી રહ્યું છે. CAAથી કોઈપણ મુસલમાનને તકલીફ નહીં થાય તેવું મોહન ભાગવતે કહ્યું છે. સાથે જણાવ્યું છે કે, CAA-NRCથી દેશના નાગરિકોને લેવા-દેવા નથી.
ગુવાહાટીમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, 1930થી યોજનાબદ્ધ રીતે મુસલમાનોની સંખ્યા વધારવાનો પ્રયાસ થયો છે. એવો વિચાર હતો કે જનસંખ્યા વધારીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે અને પછી આ દેશને પાકિસ્તાન બનાવશે. આ વિચાર પંજાબ, સિંધ, આસામ અને બંગાળ વિશે હતો. અમુક માત્રામાં તે સાચો સાબિત થયો. ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન થઈ ગયું. પણ જેમ ઈચ્છતા હતા તેવું થયું નહીં.
ભાગવતે કહ્યું કે, CAA કોઈ ભારતના નાગરિક વિરુદ્ધ બનાવેલ કાયદો નથી. ભારતના નાગરિક મુસલમાનને CAAથી કોઈ નુકસાન નહીં પહોંચે. ભાગલા બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, અમે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. અમે આજ સુધી તેનું પાલન કરી રહ્યા છીએ. પાકિસ્તાને નથી કર્યું. એક પુસ્તકના વિમોચન કર્યા બાદ ભાગવતે કહ્યું કે, સ્વતંત્રતા બાદ દેશના પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અલ્પસંખ્યકોને ધ્યાનમાં રાખવા પડશે અને અત્યાર સુધી આ જ થતું આવ્યું છે. અમે આગળ પણ આમ જ કરીશું. CAAના લીધે કોઈ મુસલમાનને પરેશાની નહીં થાય. વિમોચન કરાયેલ પુસ્તકનું શીર્ષક ‘Citizenship debate over NRC and CAA-Assam and the Politics of History’ છે.
ગુવાહાટીમાં આજે મોહન ભાગવતે કહ્યું કે, રાજનૈતિક લાભ માટે તેને સાંપ્રદાયિકતાનો રંગ આપવામાં આવી રહ્યો છે. NRC અંગે કહ્યું કે, તમામ દેશોને આ જાણવાનો અધિકાર છે કે તેમના નાગરિક કોણ છે.